ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચરિત્ર છે.
વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુતત્વ, દ્રવ્યત્વ, ઇત્યાદિ સાધારણ ધર્મો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આદિ આત્માના અસાધારણ ધર્મો છે. અભેદ વસ્તુમાં પરમાર્થે ભેદ ન હોવા છતાં, આ અસાધારણ ધર્મો દ્વારા કથનમાત્ર ભેદ ઉત્પન્ન કરી આચાર્યો ઉપદેશ આપે છે કે આત્માને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. જે જ્ઞાની નથી એને સંતો નામમાત્રથી ભેદ પાડી સમજાવે છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે, વ્યવહાર છે તેથી અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આગળ આઠમી ગાથામાં કહેશે કે વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી. એટલે કે વ્યવહાર છે ખરો, ભેદથી સમજાવવાની શૈલી છે ખરી, પણ ભેદ અનુસરવા લાયક નથી. ભેદના લક્ષે અશુદ્ધતા આવે છે, નિર્વિકલ્પતા થતી નથી.
પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી. દ્રવ્ય બધા ભેદોને પીને બેઠું છે. વસ્તુ અંદર એકાકાર અભેદરૂપે સ્થિત છે, તેથી તેમાં ભેદ નથી. ભેદથી સમજાવવામાં આવે છે તે કથનમાત્ર છે. આવો ધર્મ ઝીણો છે ભાઈ! લોકો બિચારા આ સમજે નહીં અને સામાયિક, પ્રૌષધ, જાત્રા, ભક્તિ આદિ બાહ્ય ક્રિયા કરે. પણ સત્ય હાથ આવ્યા વિના ચોરાશીના અવતારમાં રખડવાનું છે. જ્યારે અભેદદ્રષ્ટિથી આત્માને જુએ ત્યારે સત્ય હાથ આવે તેમ છે.
ત્યારે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે-પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પ્રથમ શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ભેદ જે પર્યાય છે તે દ્રવ્યનો જ પોતાનો અંશ છે, અવસ્તુ એટલે કે પરવસ્તુ તો નથી. જેમ શરીર પર છે, કર્મ પર છે એમ પર્યાય પર છે એમ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો અંશ છે તેથી સ્વવસ્તુ છે, પોતાની છે, પોતામાં છે, નિશ્ચય છે. તો તેને વ્યવહાર કેમ કહેવાય? ભાષા તો સાદી છે, પણ ભાવ ઘણો ઊંડો છે, ભાઈ! અહો! પંડિત જયચંદ્રજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!
તેનું સમાધાનઃ– એ તો ખરું છે. પર્યાય વસ્તુનો જ ભેદ છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે!
દ્રવ્ય અને પર્યાય બન્ને આત્માની ચીજ છે. પર્યાય છે તે પણ વસ્તુ છે, અવસ્તુ નથી. પરંતુ અહીં પર્યાયદ્રષ્ટિ છોડાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી અભેદને મુખ્ય