Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 121 of 4199

 

૧૧૪ [ સમયસાર પ્રવચન

કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં ભેદને ગૌણ કરીને એટલે અભાવ કરીને એમ નહીં, પણ ભેદને અમુખ્ય રાખીને એટલે કે ભેદનું લક્ષ છોડીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર કહો કે અસત્યાર્થ કહો; પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, અભાવ કરીને નહીં.

અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધરનાર ધર્મી એવો જે અભેદ આત્મા તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યગ્દર્શન નહીં થાય. નવ તત્ત્વના ભેદ પાડવા એ વાત તો દૂર રહી પણ ગુણ અને ગુણીનો ભેદ પાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જ ભેદ તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયક છે. દ્રષ્ટિ પોતે પર્યાય છે પણ પર્યાય તે દ્રષ્ટિનું ધ્યેય નથી.

પ્રશ્નઃ– વર્તમાન પર્યાય તેમાં (દ્રષ્ટિના વિષયમાં) ભેળવવી કે નહીં?

ઉત્તરઃ– વર્તમાન પર્યાય ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે. તે એમાં ભળે કયાંથી? પર્યાય ભિન્ન રહે છે, તે દ્રવ્યમાં ભળતી નથી, એક થતી નથી.

અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. ભેદને જાણવું એ કાંઈ રાગનું કારણ નથી. કેવળી ભગવાન ભેદ-અભેદ સર્વને જાણે છે. અરિહંત પરમાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય, ભેદ-અભેદ, લોક-અલોક સર્વને જાણે છે. માટે ભેદને જાણવો એ રાગનું કારણ નથી. પણ સરાગીને ભેદ જાણતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. રાગી જીવને ભેદ જાણતાં રાગ ઉત્પન્ન થાય છે. તેથી અનંત ગુણોનો અભેદ પિંડ ભગવાન આત્મા અને અનંતગુણ એમ ભેદ પાડી દ્રષ્ટિ કરતાં રાગ થાય તેથી પુણ્યબંધ થાય પણ સમ્યગ્દર્શનની અબંધ પર્યાય ન થાય. સરાગીને ભેદનું લક્ષ કરતાં વિકલ્પ થાય પણ નિર્વિકલ્પ દશા ન થાય. કેવળી ભગવાન તો ભેદાભેદરૂપ સમગ્ર લોકાલોકને જાણે પણ તેમને રાગ થતો નથી, કેમકે તેઓ વીતરાગ છે. પરંતુ રાગી પ્રાણીને ભેદની દ્રષ્ટિ થતાં રાગ થયા વિના રહેતો નથી.

આત્મા વસ્તુ અરૂપી ચિદ્ઘન છે, તેમાં આ ભાવ અને આ ભાવવાન એમ બે ભાગ પાડીને વસ્તુને જોવા જાય તો રાગી જીવ છે તેથી તેને રાગ થશે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. ગુણીમાં ગુણ નથી એમ નથી, પણ ભેદને ગૌણ કરી અભેદનું લક્ષ કરવાનું પ્રયોજન છે.