સમયસાર ગાથા-૧૦૩ ] [ ૧૪૩ (જ્ઞાની કે અજ્ઞાની) પરનું કાંઈ કરી શકતો નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે અને ભગવાને એમ જ જાણ્યું અને કહ્યું છે. અજ્ઞાનીને ખબર નથી તેથી કાંઈ વસ્તુસ્વરૂપ બીજી રીતે થઈ જાય એમ-નથી.
હું દેશની સેવા કરું છું, બીજા જીવોની દયા પાળું છું, બીજાઓને ઉપદેશ દઉં છું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એવો અજ્ઞાનીને ભ્રમ છે. અરે ભાઈ! ઉપદેશની ભાષા તો જડ છે. ભાષાના પરમાણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે. તેને આત્મા કેમ કરી શકે? ન કરી શકે.
આ દાળ, ભાત, રોટલી, શાક ઇત્યાદિ જે પરદ્રવ્યની ક્રિયા થાય તે આત્મા કરતો નથી. આ રોટલીના ટુકડા આંગળીથી થાય છે એમ કોઈ કહે તો એ બરાબર નથી. આંગળી પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે અને રોટલીના ટુકડા થાય તે રજકણો પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે. રોટલીના ટુકડા થાય તેને આત્મા તો કરતો નથી, તે આંગળીથી પણ થતા નથી. એક તત્ત્વનું બીજા તત્ત્વનું કાંઈ કરી શકે નહિ એ વીતરાગ-માર્ગનું કોઈ અજબ રહસ્ય છે.
પ્રશ્નઃ– परस्परोपग्रहो जीवानाम् – એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ને?
ઉત્તરઃ– હા કહ્યું છે; પણ એનો અર્થ શું? ઉપગ્રહ-ઉપકારનો અર્થ ત્યાં નિમિત્ત-માત્ર એમ થાય છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી થાય છે તેમાં જે બાહ્ય ચીજ નિમિત્ત હોય તેને ઉપગ્રહ કહેવામાં આવે છે. પરનો ઉપકાર (પરનું કાર્ય) જીવ કરી શકે છે એમ ત્યાં અર્થ નથી. સર્વાર્થસિદ્ધિ ટીકાની વચનિકામાં ઉપગ્રહનો અર્થ પંડિત શ્રી જયચંદજીએ નિમિત્ત કર્યો છે. ઉપગ્રહ શબ્દથી નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. જીવ પરનો ઉપકાર (કાર્ય) કરે છે એમ કદીય નથી. પ્રત્યેક પદાર્થ-જડ કે ચેતન પોતાના દ્રવ્ય એટલે વસ્તુમાં અને પોતાની વર્તમાન પર્યાયમાં વર્તે છે. તેની પર્યાય કોઈ બીજું દ્રવ્ય કરે કે બીજું દ્રવ્ય વર્તાવે એમ ત્રણકાળમાં બનતું નથી. ભાઈ! નવ તત્ત્વની ભિન્નતા જેમ છે તેમ ભાસે નહિ તેને સમકિતી કેવી રીતે પ્રગટ થાય? ન જ થાય.
જગતમાં અનંત આત્માઓ છે અને અનંતાનંત પરમાણુ-રજકણો છે. પ્રત્યેક રજકણ પોતાથી રહ્યું છે, પરથી નહિ. પ્રત્યેક પરમાણુમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એવી છ શક્તિઓ છે. તેથી તે દરેક પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તે છે. પરની પર્યાયને પોતે વર્તાવે વા પોતાની પર્યાયને પર વર્તાવે એમ બનવું ત્રણકાળમાં સંભવિત નથી.
જુઓ, આ આગમમંદિરમાં આરસ ઉપર પોણાચાર લાખ અક્ષરો કોતરેલા છે. તે અક્ષર કોતરવાનું મશીન ત્રીસ હજારના ખર્ચે ઇટાલિથી આવેલું છે. તે મશીનનો એક એક રજકણ પોતાની શક્તિથી નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તે છે; તે પરથી