સમયસાર ગાથા-૧૦૩ ] [ ૧૪૭ આનંદમાં ઝૂલનારા સંતોને જરાક વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર શાસ્ત્રના કારણે રચાઈ ગયાં. તે વિકલ્પના જ્ઞાની કર્તા નથી. તે વિકલ્પ પોતાના અપરાધથી આવ્યો છે, પરના કારણે નહિ. દરેક દ્રવ્ય એટલે વસ્તુ પોતાના ગુણ એટલે પોતાની પર્યાયમાં વર્તે છે. બીજાનું કાર્ય બીજાથી થાય એ વસ્તુસ્થિતિ જ નથી. બે કારણથી કાર્ય થાય એમ જે વાત આવે છે એ તો કાર્યકાળે જે બીજી ચીજ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે વાત કરેલી છે. બાકી બે કારણથી કાર્ય નીપજે છે એમ નથી. કાર્યનાં વાસ્તવિક કારણ બે નથી, એક ઉપાદાન જ વાસ્તવિક કારણ છે.
જગતમાં કોઈ પણ વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે. પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશે કે એક પર્યાય બીજાની પર્યાયરૂપે થાય એમ કદીય બનતું નથી. જીવની પર્યાયનું સંક્રમણ થઈને શરીરની અવસ્થારૂપે થાય એમ ત્રણકાળમાં બનતું નથી. પ્રત્યેક વસ્તુની વર્તમાન પર્યાય સંક્રમણ પામીને પરની પર્યાયને કરે એવું કદીય બનતું નથી. ભાઈ! પરની દયા કોઈ પાળી શકતું નથી. આ તો પોતાની સ્વદયા પાળવાની વાત છે. સંતોએ સ્વતંત્રતાનો આ ઢંઢેરો પીટયો છે. છતાં જેને વાત બેસતી નથી તે દુર્ભાગી છે. શું થાય? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને?
એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ન થાય; એક ગુણ એટલે પર્યાયનું અન્ય દ્રવ્યની પર્યાયપણે સંક્રમણ ન થાય. સમયસમયમાં પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતપોતાની પર્યાયના કર્તા છે પણ પરની પર્યાયના કર્તા નથી. ભગવાન ત્રણલોકના નાથ કહે છે કે એક દ્રવ્યની પર્યાય અન્યદ્રવ્યની પર્યાયને કરે એવું માને તે મૂર્ખ છે, અજ્ઞાની છે, મૂઢ છે, પાખંડી છે. બીજાનું કાર્ય કોઈ બીજો કેમ કરે? ન કરે. અહાહા...! જગતનાં અનંત દ્રવ્યો, એની દરેક શક્તિ અને એની દરેક પર્યાય સ્વતંત્ર છે.
એક વખત એવો પ્રશ્ન થયેલો કે-મહારાજ! સિદ્ધ ભગવાન શું કરે?
ત્યારે જવાબમાં કહ્યું કે-સિદ્ધ ભગવાન પરનું કાંઈ કરતા નથી. અહાહા...! પોતાની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો છે તેનું સિદ્ધ ભગવાન વેદન કરે છે.
ત્યારે તે કહે કે-એવા કેવા ભગવાન? ભગવાન જેવા ભગવાન કોઈનું કાંઈ ન કરે! અમે તો બીજાનું ભલું કરીએ છીએ.
જુઓ, અજ્ઞાનીનો ભ્રમ! ભાઈ! કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ અચલિત વસ્તુમર્યાદા છે. તેને તોડવી અશકય છે. પોતાની પર્યાય પરમાં ન જાય અને પરની પર્યાય પોતામાં ન આવે. તો પછી એક વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? કદી ન પરિણમાવી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. અજ્ઞાની પોતાના શુભાશુભ