અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. (નિર્મળ પર્યાય, પર્યાય ઉપર લક્ષ કરતી જ નથી.)
પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. અભેદમાં પર્યાય કયાં છે? પર્યાય તો ભિન્ન રહી અભેદની દ્રષ્ટિ કરે છે. તે નિશ્ચયદ્રષ્ટિ છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદદ્રષ્ટિ થઈ જાય. પર્યાય તો પર્યાયમાં રહે છે માટે અપેક્ષા સમજવી જોઈએ. દ્રષ્ટિફેરે અજ્ઞાનીને ફેર લાગે પણ આ સત્ય કહેવાય છે.
વીતરાગ થયા પછી નયનું આલંબન રહેતું નથી. ત્યારે સમયસારના આસ્રવ અધિકારમાં બે જગ્યાએ એમ આવે છે કે કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય છે તે કેવી રીતે છે? એ તો દ્રવ્યનો આશ્રય પૂર્ણ થઈ ગયો એ અપેક્ષાએ છે. શુદ્ધનયનો વિષય તો ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય એક જ છે પણ હવે કેવળજ્ઞાન થતાં દ્રવ્યનો આશ્રય લેવાનો રહ્યો નહીં તે અપેક્ષાએ કહ્યું છે. ખરેખર તો કેવળજ્ઞાન કાંઈ શુદ્ધનયનો વિષય નથી, એ તો સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. કેવળજ્ઞાનીને તો નય જ કયાં છે? છતાં કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે એમ જે કહ્યું છે એ તો શુદ્ધાત્માનું આલંબન પૂર્ણ થતાં હવે આલંબન લેવાનું રહેતું નથી તે અપેક્ષાએ કથન છે. તેથી અહીં કહે છે કે વીતરાગ થયા બાદ નયનું આલંબન જ રહેતું નથી.