સમયસાર ગાથા-૧૦૭ ] [ ૧૭૧
જેમ યોદ્ધા યુદ્ધ લડે ત્યાં એમ કહેવું કે રાજા યુદ્ધ લડે છે-એ ઉપચારકથન છે તેમ જે કર્મનું બંધન થાય છે તે તેની પર્યાયની યોગ્યતાથી પોતાથી થાય છે તેને એમ કહેવું કે આત્મા કર્મ બાંધે છે તે ઉપચારનું, વ્યવહારનું કથન છે.
જે કર્મ બંધાય છે તે વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એવા ભાવનો અભાવ છે. જડ કર્મ બંધાય છે તે વ્યાપ્ય અને પરમાણુ તેમાં વ્યાપક છે. જડ કર્મની પર્યાયનો કર્તા જડ પરમાણુ છે. આત્માને તે પર્યાય સાથે વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. માટે આત્મા જડ કર્મનો કર્તા નથી, અને જડ કર્મ આત્માનું કાર્ય નથી. જીવના જેવા વિકારી ભાવ હોય તેને અનુસાર જ કર્મપ્રકૃત્તિ બંધાય છે છતાં જે કર્મબંધનની પર્યાય થાય છે તે તેના પોતાના કારણે થાય છે; જીવના વિકારી ભાવના કારણે તે પર્યાય થતી નથી.
જેટલું યોગનું કંપન અને કષાયભાવ હોય તેટલો ત્યાં સામે જડ કર્મમાં પ્રકૃત્તિ-બંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. યોગને લઈને પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય અને કષાયને લઈને સ્થિતિ અને અનુભાગબંધ થાય એમ જે શાસ્ત્રમાં આવે છે તે નિમિત્તનું કથન છે. અહીં કહે છે કે કર્મબંધની જે અવસ્થા થાય તે વ્યાપ્ય એટલે કાર્ય અને આત્મા તેનો વ્યાપક એટલે કર્તા એવા વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. કર્મબંધની અવસ્થા તે પરિણામ અને આત્મા પરિણામી-એવા પરિણામ-પરિણામીભાવનો અભાવ છે. જે ચાર પ્રકારે બંધ થાય તે પુદ્ગલપરમાણુની પર્યાય છે અને પરમાણુ તેમાં વ્યાપક છે. માટે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્ગલપરમાણુ છે, પણ આત્મા તેનો કર્તા અને તે કર્મબંધ આત્માનું કાર્ય એમ છે નહિ.
વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! રુચિ-લગનીથી અભ્યાસ કરે તો પકડાય એમ છે. આત્મા જડકર્મ કરે અને આત્મા જડકર્મ ભોગવે-એ વાત ખોટી છે એમ અહીં કહે છે. જડકર્મ જે બંધાય તે પુદ્ગલથી પોતાથી બંધાય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા-તે બન્ને જડકર્મની અવસ્થા પોતાના કારણે પરમાણુથી થાય છે. તેવી જ રીતે સ્થિતિ એટલે તેની મુદત અને અનુભાગ એટલે ફળદાનશક્તિ-તે કાર્ય પણ જડ પરમાણુથી પોતાના કારણે થાય છે. આત્માને તેની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. પરમાણુની કર્મબંધરૂપ પર્યાય વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એમ નથી. માટે આત્મા કર્મબંધનની પર્યાયનો કર્તા નથી. અને તે પર્યાય આત્માનું કાર્ય નથી.
લોકો બિચારા બહારના વેપારધંધાની પાપની પ્રવૃત્તિમાં ગુંચાઈ ગયા છે. મજુરની જેમ રાતદિવસ કષાયની મજુરી-વેઠ કરીને કાળ ગુમાવે છે. પણ ભાઈ! એ તો ચાર-ગતિમાં રખડપટ્ટીની મજુરી છે. ફુરસદ લઈને આ તત્ત્વ નહિ સમજે તો તારું કલ્યાણ નહિ થાય ભાઈ!
વ્યવહાર તો બોલવા માટે છે, કલ્પનામાત્ર છે. લૌકિક વ્યવહાર બધોય જૂઠો છે.