સમયસાર ગાથા-૧૦૭ ] [ ૧૭૩ અવસ્થા બદલીને તે કાર્ય થાય છે માટે તેને વિકાર્ય કર્મ કહે છે. અને નવીન પર્યાયરૂપે ઊપજે છે માટે તેને નિર્વર્ત્ય કર્મ કહે છે. દ્રવ્યમાં જે ધ્રુવપણે (સ્વકાળ નિયત) પર્યાય છે તેને પ્રાપ્ત કરી માટે તે પ્રાપ્ય, પૂર્વ અવસ્થા બદલીને થઈ માટે વિકાર્ય અને નવી ઊપજી માટે નિર્વર્ત્ય-એમ ત્રણે એક જ સમયની પર્યાયના ભેદ છે. તેનો કર્તા તે તે પુદ્ગલપરમાણુ છે; જીવ તેનો કર્તા નથી.
જુઓ, સામા જીવનું આયુ અને તેના શરીરની જે અવસ્થા છે તે પરમાણુનું પ્રાપ્ય છે, તેનો કર્તા તે પરમાણુ છે. ત્યાં બીજો કોઈ કહે કે મેં એની દયા પાળી તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વીતરાગ જિનેશ્વરદેવનો માર્ગ બહુ જુદી જાતનો છે ભાઈ! આવી વાત જગતમાં બીજે કયાંય નથી.
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એ ત્રણેય એક સમયની પર્યાયના ભેદ છે. તે વસ્તુની પરિપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરે છે. પુદ્ગલદ્રવ્યાત્મક કર્મ જે બંધાય તેને આત્મા ગ્રહતો નથી. જોગને લઈને કર્મપરમાણુને ગ્રહે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે, ઉપચાર છે. તે વાસ્તવિક કથન નથી. મોહનીય કર્મમાં ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરો-પમની સ્થિતિ પડે છે અને જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પડે છે તે તે પર્યાયની પોતાની યોગ્યતાથી છે. તે પર્યાયનો કર્તા કર્મના પરમાણુ છે. અહીં જીવને કષાય થયો માટે ત્યાં સ્થિતિબંધ થયો એમ છે નહિ. તેવી રીતે કર્મનો અનુભાગ બંધ થાય, ફળદાનશક્તિનો બંધ પડે તે તેની યોગ્યતાથી થાય છે. તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય કર્મ છે. કર્મબંધની અવસ્થાને પુદ્ગલદ્રવ્ય ગ્રહે છે, આત્મા ગ્રહતો નથી. અરે ભાઈ! કર્મની સાથે તદ્ન નજીકનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે છતાં તેનો આત્મા કર્તા નથી તો પછી બીજાં બહારનાં હાલવું, ચાલવું, ખાવું, પીવું, બોલવું ઇત્યાદિ કાર્ય થાય તેનો આત્મા કર્તા થાય એમ કેમ બને? ત્રણકાળમાં ન બને.
આ આંગળી હલે તે આંગળીના પરમાણુનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે. આત્મા આંગળીને હલાવી શકે નહિ. અહીં કહે છે કે જડ કર્મબંધનની અવસ્થા થાય તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, જીવ તેનો કર્તા નથી. જડ અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી આત્મા જડ કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઊપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી. હવે કહે છે કે-
‘અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, ‘‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય - એવા પુદ્ગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે’’ એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.’