૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
આ માટીમય ઘડો છે તે કાર્ય છે. તે માટીનું કાર્ય છે. માટી તેમાં વ્યાપક થઈને રહેલી છે તેથી માટી તેનો કર્તા છે. ઘડો તે કુંભારનું વ્યાપ્ય કર્મ નથી. કુંભાર ઘડામાં વ્યાપક થઈને, પ્રસરીને રહેલો નથી. ઘડાની અવસ્થાને અને કુંભારને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. માટે ઘડારૂપ કાર્યનો કુંભાર કર્તા નથી. ઘડો માટીમાંથી પોતાની અવસ્થારૂપે થાય છે અને કુંભાર તેમાં નિમિત્તમાત્ર છે. તેથી કુંભારે ઘડો કર્યો એમ ઉપચારથી કહેવાય છે. વાસ્તવમાં કુંભારે ઘડો કર્યો નથી.
પર પદાર્થનાં જે કાર્ય થાય તે તેનાથી થાય છે. છતાં નિમિત્ત દેખીને બીજાએ તે કાર્ય કર્યું એમ કહેવું તે વ્યવહારનું કથન છે, ઉપચારકથન છે; તે વાસ્તવિક કથન નથી. અજ્ઞાની જીવનો જે વિકલ્પ છે કે પરનાં કામ હું કરું છું તે વિકલ્પ ઉપચાર છે. જ્ઞાનીને તો પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનું ભાન છે. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત નથી. ખરેખર તો જ્ઞાનીને બંધ નથી. ધર્મીને વીતરાગ પરિણામ હોય છે. તેથી તેને કર્મનું બંધન થાય અને તેમાં તેના પરિણામ નિમિત્ત થાય એવું બનતું નથી.
ધર્મી જીવને પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપનું ભાન થયેલું છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય અખંડ અભેદ એકરૂપ આત્મા છું. તે કાળે જે રાગ થાય અને જડ કર્મની પ્રકૃતિ બંધાય તે તેના જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તો સ્વપરને જાણતું થકું પોતાના ઉપાદાનથી થયું છે તેમાં રાગ અને કર્મની અવસ્થા નિમિત્ત કહેવામાં આવે છે. કર્મના પ્રકૃતિ અને પ્રદેશબંધમાં જ્ઞાની નિમિત્ત છે એમ છે નહિ.
અજ્ઞાની જોગ અને રાગનો કર્તા છે. તે અજ્ઞાનીના જોગ અને રાગ જે કર્મબંધ થાય એમાં નિમિત્ત છે. છતાં જો એમ કહ્યું હોય કે જોગ અને રાગથી કર્મબંધ થાય છે તો તે વ્યવહારનું ઉપચારકથન છે; તે પરમાર્થકથન નથી. ઉપચારનો અર્થ વ્યવહાર કલ્પના છે. પરનો કર્તા નથી છતાં કહેવું તે ઉપચાર છે.
વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પ્રતિસમય પદાર્થની જે અવસ્થા થાય તે તેના કાળે તેનાથી થાય છે. તે કાર્ય થવાની તે જન્મક્ષણ છે. પદાર્થની તે પર્યાયને કોઈ અન્ય કરે તે વાત તદ્ન ખોટી છે. પુદ્ગલદ્રવ્યસ્વરૂપ કર્મબંધની જે સમયે જે પર્યાય થાય તે તેનાથી પોતાથી થાય છે અને તે તેની જન્મક્ષણ છે. પરમાણુમાં તે પર્યાય ઉત્પન્ન થવાનો સ્વકાળ છે તેથી ત્યાં તે કર્મબંધની પર્યાય ઉત્પન્ન થાય છે. આત્મા તે કર્મબંધની પર્યાયને ગ્રહતો કે ઉપજાવતો નથી. જીવે રાગ કર્યો માટે તે કર્મબંધરૂપ કાર્ય થયું છે એમ નથી. રાગ તો નિમિત્તમાત્ર છે. રાગથી કર્મબંધન થયું વા આત્માએ કર્મબંધન કર્યું એમ કહેવું તે ઉપચાર છે.