૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ આત્મા તેનો કર્તા નથી. અજ્ઞાની જોગ અને રાગનો કર્તા છે. તેના તે પરિણામ જડ કર્મની પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે, પણ તે પરિણામ જડ કર્મના કર્તા નથી.
કોઈ સમકિતી વેપારી હોય અને દુકાનના થડે બેઠો હોય. ત્યાં માલની જે લેવડ-દેવડની ક્રિયા થતી હોય તેનો તે જ્ઞાતા-જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીના જ્ઞાનમાં તે પદાર્થની ક્રિયા નિમિત્ત થાય છે, જ્ઞાની તેને નિમિત્ત નથી. જ્ઞાની તો જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં વ્યાપક થઈને જ્ઞાનની પર્યાયને પ્રાપ્ત કરે છે. તે કાળે જે રાગ આવ્યો અને પ્રકૃતિ બંધાઈ તેનું અહીં જ્ઞાન થયું પણ તે જડ પ્રકૃતિની પર્યાય અને જોગ અને રાગની પર્યાયનો જ્ઞાની કર્તા નથી.
પુદ્ગલમાં શાતા બંધાય, અશાતા બંધાય એ બધા પુદ્ગલના ગુણદોષ કહેવામાં આવે છે. પુદ્ગલના ગુણદોષને પુદ્ગલ કરે છે, આત્મા તેને કરતો નથી. પુદ્ગલના ગુણદોષને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. પુદ્ગલની પર્યાય તે કાર્ય અને આત્મા તેનો કર્તા એવા ભાવનો અભાવ છે, તોપણ ‘તેમનો ઉત્પાદક જીવ છે’ એમ ઉપચાર કરવામાં આવે છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થઃ– જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.