સમયસાર ગાથા-૧૦૮ ] [ ૧૭૭
‘જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘‘તેમનો ઉત્પાદક રાજા છે’’ એવો ઉપચાર કરવામાં આવે છે;....’
લોકમાં કહેવાય છે કે ‘જેવો રાજા તેવી પ્રજા.’ આ તો કથનમાત્ર છે, નિમિત્તનું કથન છે. બાકી રાજાની પર્યાય રાજામાં અને પ્રજાની પર્યાય પ્રજામાં છે. પ્રજાના ગુણદોષ અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ છે. પરંતુ પ્રજાના ગુણદોષ અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. રાજાના કારણે કાંઈ પ્રજા ગુણ કે દોષ કરતી નથી. રાજા પોતાના દુષ્ટ પરિણામથી નરકગતિમાં જાય, અને પ્રજા પોતાના ગુણથી મોક્ષપદ પામે. ભાઈ! દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. રાજા તેવી પ્રજા એ તો વ્યવહાર કર્યો છે, બાકી એ કાંઈ વાસ્તવિકતા નથી.
પ્રજાના પોતાના ભાવથી પોતાના ગુણદોષની ઉત્પત્તિ થાય છે. પ્રજાના ગુણદોષને રાજા ઉત્પન્ન કરે છે વા રાજાના કારણે પ્રજામાં ગુણદોષ ઉત્પન્ન થાય છે એમ નથી, કેમકે પ્રજાના ગુણદોષ વ્યાપ્ય અને એનો રાજા વ્યાપક-એવો વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. આમ છે છતાં પ્રજાના ગુણદોષનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. ‘બાપ એવા બેટા’ એ પણ નિમિત્તનું ઉપચારકથન છે. બાપ હોય તે નર્કે જાય અને દીકરો મોક્ષ જાય. તીવ્ર માનાદિ કષાય કરીને બાપ ઢોરગતિમાં જાય અને મંદરાગના પરિણામથી યુક્ત દીકરો મરીને સ્વર્ગે જાય, વા મનુષ્ય થાય. ‘બાપ એવા બેટા’ એ કયાં નિયમ રહ્યો? એ તો માત્ર ઉપચારકથન છે.
આ સ્ત્રીને લોકમાં અર્ધાંગના નથી કહેતા? એમ કે મારું અડધું અંગ અને સ્ત્રીનું અડધું અંગ એમ બે મળીને એક છીએ. ધૂળેય એક નથી, સાંભળને. સ્ત્રી મરીને સ્વર્ગે જાય અને પતિ દુષ્ટભાવથી મરીને નર્કે જાય; કયાં એકપણું રહ્યું? અરે! જીવ પરને પોતાનું માની માનીને અનંતકાળથી મરી રહ્યો છે-રઝળી રહ્યો છે! વાસ્તવમાં કોઈ કોઈનું કાંઈ કરતું નથી. પરદ્રવ્યની પર્યાયને જીવ કરે છે એમ કહેવું તે ઉપચારકથન છે.
હવે કહે છે-‘તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘‘તેમનો ઉત્પાદક જીવ છે’’ એવો ઉપચાર કરવામાં આવે છે.’
સ્વ-ભાવથી જ એટલે કે પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ જડ કર્મ બંધાય છે. કર્મની પ્રકૃતિના ગુણદોષને અને આત્માના વિકારી ભાવને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, પણ