સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૧ મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે-જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ ‘ગુણ’ શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ‘ગુણો’ જ તેમના કર્તા છે; અને તે ‘ગુણો’ તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ-
‘यदि पुद्गलकर्म जीवः न एव करोति’ જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી ‘तर्हि’ તો ‘तत् कः कुरुते’ તેને કોણ કરે છે? ‘इति अभिशङ्कया एव’ એવી આશંકા કરીને, -આશંકા કરીને એટલે આપે જે કહ્યું તે સત્ય ન હોય એમ શંકા કરીને નહિ, પણ સમજમાં ન બેસતાં આ કેવી રીતે છે એમ યથાર્થ સમજવાની જિજ્ઞાસા કરીને- ‘एतर्हि’ હવે ‘तीव्र–रय–मोह– निवर्हणाय’ તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, ‘पुद्गलकर्मकर्तृ सङ्कीर्त्यते’ પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે કહીએ છીએ; ‘शृणुत’ તે હે જ્ઞાનના ઇચ્છક પુરુષો! તમે સાંભળો. અહાહા...! દ્રવ્ય તો શુદ્ધ છે; તે કર્મનો કર્તા નથી. તો કર્મનો કર્તા કોણ છે તે મિથ્યાત્વના નાશ માટે કહીએ છીએ તો હે જિજ્ઞાસુ પુરુષો! સાંભળો એમ કહે છે.