સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૯ લાગતું વળગતું નથી એમ કહીને આચાર્યે શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માની દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ કરાવી છે.
‘શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે. તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનો કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.’
જે ભાવથી નવાં કર્મ આવે તે ભાવને આસ્રવ કહે છે. પ્રત્યયો એટલે કે આસ્રવો. તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર ભેદ છે. તેને સિદ્ધાંતશાસ્ત્રોમાં બંધનાં કારણો કહેલા છે. તે રીતે તેર ગુણસ્થાનો પણ બંધનાં કારણ છે, કેમકે તેઓ પણ વિશેષ પ્રત્યયો છે. ચાર સામાન્ય પ્રત્યયો અને તેર વિશેષ પ્રત્યયો એ બધા બંધના કર્તા છે.
જેમ સીડી ચઢવાનાં પગથિયાં હોય છે તેમ આત્માની પર્યાયમાં ચૌદ પ્રકારના ભાવ થાય છે. તેમાંથી મિથ્યાત્વાદિ તેર પ્રકારના ભાવ છે તે ચાર સામાન્ય પ્રત્યયોના વિશેષ ભેદો છે. તે તેર ગુણસ્થાનો પુદ્ગલકર્મના બંધના કર્તા છે.
ગુણસ્થાનો અશુદ્ધ નિશ્ચયથી એટલે કે વ્યવહારથી જીવની પર્યાયના ભેદો છે. પણ અહીં શુદ્ધનિશ્ચયનું કથન છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં આ અચેતન આસ્રવો નથી એમ અહીં કહ્યું છે. અહાહા...! એકલો જાણગ-જાણગ- જાણગ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મામાં પરદ્રવ્ય જે શરીર, મન, વાણી, લક્ષ્મી, સ્ત્રી, પરિવાર ઇત્યાદિ તો નથી કેમકે એ તો તદ્ન ભિન્ન ચીજ છે; પણ પર્યાયમાં જે રાગ થાય છે તે પણ આત્મામાં નથી. મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો જેઓ અચેતન છે તે આત્મામાં નથી એમ કહે છે.
આત્મામાં અનંત ગુણ છે. તેમાં રાગનો કર્તા થાય એવો કોઈ ગુણ નથી. સામાન્ય પ્રત્યયો ચાર અને વિશેષ પ્રત્યયો તેર જે અચેતન છે તેનો કર્તા પુદ્ગલકર્મ છે, જીવ તેનો કર્તા નથી. તથા જે નવાં કર્મબંધન થાય તેનો પણ આત્મા કર્તા નથી. તો કોણ કર્તા છે? આ ગુણસ્થાનાદિ જે અચેતન પ્રત્યયો છે તે જ નવા પુદ્ગલકર્મબંધનના કર્તા છે. આ અચેતનભાવો-પ્રત્યયો આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે. અશુદ્ધ નિશ્ચયથી તેમને જીવની પર્યાય કહેવાય છે પણ અશુદ્ધ નિશ્ચય તે વ્યવહાર છે અને તે વ્યવહારનો અહીં નિષેધ કર્યો છે.