સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૯૧
બાપુ! તેં આ કદી સાંભળ્યું નહિ! કદી શુદ્ધ તત્ત્વ અનુભવ્યું નહિ! અરે! બહારના ઢસરડા કરી કરીને મરી ગયો! આખો દિવસ પાપ કરી કરીને તું ચાર ગતિમાં રખડી મર્યો છે. પ્રભુ! એકવાર ઉલ્લાસ લાવીને સાંભળ. આ અવસર છે. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો હુકમ આચાર્યદેવ તને સંભળાવે છે. કહે છે કે-
ભગવાન આત્મા અંદર એકલો શુદ્ધ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે. અને પુણ્ય-પાપરૂપ જે શુભાશુભ ભાવ થાય તે આસ્રવ છે, ભગવાન આત્માથી બાહ્ય છે, ભિન્ન છે. આ હીરા, માણેક, મોતી વગેરે છે તે અચેતન પુદ્ગલદ્રવ્યમય છે. અને હીરા વગેરે વેચીને ધૂળ (પૈસા) કમાવાનો જે ભાવ થાય તે મમતાનો ભાવ પણ અચેતન છે. વળી રાગ મંદ કરીને પૈસા દાનમાં, પૂજા-પ્રભાવનામાં ખર્ચવાનો જે શુભભાવ થાય તે પણ અચેતન છે; કેમકે રાગમાં જ્ઞાન કયાં છે? માટે રાગ સઘળોય અચેતન છે. જેમ સાકરના ગાંગડા ઉપર બાળકનો મેલો હાથ અડકી જાય તો તેના ઉપર મેલ ચોંટે છે; એ મેલ છે તે સાકરથી ભિન્ન છે, સાકરના સ્વરૂપભૂત નથી. તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ સાકરનો ગાંગડો છે; તેમાં (પર્યાયમાં) આ પુણ્યપાપના ભાવ છે તે મેલ છે અને એ મેલ છે તે આત્માથી ભિન્ન છે, શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી.
અહાહા...! આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ, ધન-ધાન્ય આદિ ધૂળ-માટી તો કયાંય દૂર (ભિન્ન) રહી ગયાં. અહીં તો કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એમ ચાર પ્રત્યયો અને તેર ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો-એ સર્વ અચેતન છે, પુદ્ગલદ્રવ્યમય છે. તે સર્વ અચેતનને કોઈ મારી ચીજ છે એમ માને તો એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના, જૂઠા શ્રદ્ધાનના ભાવમાં અનંતભવ કરવાનો ગર્ભ પડેલો છે, ભાઈ! માટે સ્વરૂપની સમજણ કરીને યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ.
મિથ્યાત્વાદિ ચાર સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાનરૂપ તેર વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે; તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે. અચેતન જે તેર ગુણસ્થાનરૂપ પુદ્ગલદ્રવ્ય છે તે જ પુદ્ગલકર્મનું કર્તા છે, આત્મા તેનો કર્તા નથી.
આ કાળમાં શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ કઠણ-દુર્લભ થઈ પડયો છે. જીવોનો સમય પ્રાયઃ સંસારના પાપકાર્યોમાં જ વ્યતીત થાય છે, અને પુણ્ય કરે છે તો એનાંય કાંઈ ઠેકાણાં નથી. કોઈવાર તેઓ થોડું પુણ્ય કરે છે પણ એ તો ‘એરણની ચોરી અને સોયનું દાન’ એના જેવી વાત છે. ધનાદિ ખર્ચવામાં, દાન, ભક્તિ ઇત્યાદિમાં રાગ મંદ કરે તો થોડું પુણ્ય બંધાય પણ મિથ્યાત્વ તેને ખાઈ જાય છે. તેથી મહદંશે તો તે પાપ જ ઉપજાવે છે. તેને કહે છે કે ભાઈ! આત્મા એક જ્ઞાયકસ્વરૂપ ભગવાન અંદર બિરાજે છે તેની દ્રષ્ટિ કર્યા વિના બીજી કોઈ રીતે (પુણ્ય ઉપજાવીને પણ) તારા જન્મ-મરણના ફેરા નહિ મટે. પ્રભુ! તું નરકના, પશુના, કાગડા, કૂતરા ને કંથવાના ભવ અનંતવાર કરી કરીને મરી ગયો છે, દુઃખીદુઃખી થયો છે. હે ભાઈ! તારે જો આ