Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1257 of 4199

 

૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

ભાષા જુઓ, જીવ છે તે ઉપયોગમય જાણન-દેખનસ્વભાવ છે. જેમ ઉષ્ણતા અને અગ્નિ એક છે તેમ ભગવાન આત્મા અને જાણવા-દેખવારૂપ ઉપયોગ એક છે. આત્માનો જાણન-જાણનસ્વભાવ અને દેખન-દેખનસ્વભાવ આત્મા સાથે અભિન્ન છે, એક છે. તેમ જડ ક્રોધ પણ આત્માથી અનન્ય જ છે એમ પ્રતીતિ કરવામાં આવે તો જીવ, અજીવ થઈ જાય. વિકારના પરિણામ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ હોય, તેને ક્રોધ કહેવાય છે, કેમકે સ્વભાવથી તે વિરુદ્ધ ભાવ છે. જેમ આત્મા ઉપયોગમય પરમાત્મા છે તેમ જો આત્મા રાગમય હોય તો રાગ અચેતન હોવાથી જીવ અજીવ થઈ જાય. ગાથા બહુ સૂક્ષ્મ છે.

શરીર જડ છે એ વાત પછી લેશે. અહીં તો શુભભાવ જે થાય છે તે વિકાર-ક્રોધ અચેતન છે, અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય છે. તે બન્નેને એક-અભિન્ન માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય એમ કહે છે.

શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્ય જ્ઞાયકસ્વભાવી વીતરાગભાવરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ટંકોત્કીર્ણ શાશ્વત નિત્ય પદાર્થ છે. અહાહા...! અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્તતૃપ્ત (અતિશય ભરેલી) વસ્તુ છે. આવો ભગવાન આત્મા ચૈતન્યમય ઉપયોગથી જાણવા દેખવાના સ્વભાવથી અભિન્ન છે, એક છે. એ રીતે રાગભાવ જે ક્રોધરૂપ છે અને અચેતન છે તેની સાથે જીવને એકપણું માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય.

આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ છે તે અચેતન છે, કેમકે તેમાં ચૈતન્યનું કિરણ નથી. મહાવ્રતના પરિણામમાં ચૈતન્યનું કિરણ નથી. જેમ શરીર છે તે સ્પર્શ-રસ-ગંધ- વર્ણસહિત અજીવ છે કેમકે તેમાં જ્ઞાનનો અભાવ છે તેમ રાગભાવ છે તે સ્પર્શ-રસ-ગંધ- વર્ણરહિત અજીવ છે કેમકે તેમાં પણ જ્ઞાનનો અભાવ જ છે. અહીં કહે છે કે આત્મા જેમ જ્ઞાનદર્શનસ્વભાવથી અનન્ય છે તેમ જડ રાગ સાથે પણ અનન્ય હોય તો ચેતન આત્મા અચેતન જડ થઈ જાય. પંચમહાવ્રતના પરિણામ જો ચૈતન્યમય આત્માથી અભિન્ન હોય તો રાગ અચેતન હોવાથી આત્મા ચેતન મટી અચેતન થઈ જાય.

પર્યાયમાં જે શુભાશુભ રાગ છે તે જડસ્વભાવ છે. આવું સાંભળીને અજ્ઞાનીઓનાં કાળજાં કંપી ઊઠે છે કેમકે રાગ મારો અને હું રાગનો કર્તા તથા શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી એને અનાદિથી વિપરીત બુદ્ધિ છે. તેને અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવતાં કહે છે કે ભાઈ! રાગ છે તે જડ છે, આત્મા એનો કર્તા નથી. આત્મા જો રાગને કરે તો રાગ જડ હોવાથી આત્મા જડ થઈ જાય. અહીં ગાથામાં ક્રોધ શબ્દ કહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય અમૃતસ્વરૂપ પ્રભુ છે. તેને ભૂલીને વ્યવહાર-રત્નત્રયના રાગની જેને રુચિ છે તેને પોતાના ભગવાનસ્વરૂપ સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. કહ્યું છે ને કે-‘દ્વેષ અરોચક ભાવ.’ પરભાવની રુચિ અને સ્વભાવની જે અરુચિ છે તે દ્વેષ