Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1259 of 4199

 

૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

ભાઈ! જિનેન્દ્રદેવે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ અને અલૌકિક છે. પૂજા, ભક્તિ, વ્રત ઇત્યાદિ જે ભાવ છે તે શુભરાગ છે, ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ વીતરાગ-પરિણતિ છે અને તે શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થાય છે. ધર્મ છે તે સ્વાશ્રિત પરિણામ છે. અહાહા...! આવા સ્વાશ્રિત તત્ત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંતઃતત્ત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંતસુખમય સિદ્ધતત્ત્વની પ્રાપ્તિ થાય, નહિતર નિગોદગતિ તો ઊભી જ છે. ભાઈ! તત્ત્વના આદરમાં સિદ્ધત્વ અને તેના અનાદરમાં નિગોદગતિ છે; વચ્ચે થોડાક ભવ કરવા પડે તેની અહીં ગણતરી નથી. હે જીવ! ત્રસનો કાળ બહુ થોડો (બે હજાર સાગરથી કાંઈક અધિક) છે એમ જાણી તું તત્ત્વદ્રષ્ટિ કર, તત્ત્વનો આદર કર.

આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ઈત્યાદિ છે તે સંતોની વાણી છે. તેમાં ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે. તેમાં સંતો કહે છે કે-જાગ રે જાગ, નાથ! તારો આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન છે. તે જો રાગ કરે તો તે રાગમય થઈ જાય, આસ્રવરૂપ થઈ જાય, જડ થઈ જાય. એમ થતાં પ્રભુ! તારા ચૈતન્યનો જ નાશ થઈ જાય. પણ એમ છે નહિ; આત્મા રાગનો કર્તા છે નહિ. પર્યાયમાં જે રાગ થાય છે તેનો આત્મા જાણનાર છે પણ રાગનો કરનારો કર્તા નથી. જ્ઞાયકસ્વરૂપ જ આવું છે.

અહાહા...! શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મીને પર્યાયમાં જે રાગ થાય છે તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાનનો આત્મા કર્તા છે. સ્વપરને જાણનારી એવી જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય તેનો આત્મા કર્તા છે અને તે જ્ઞાનની પર્યાય એનું કર્મ છે. પરંતુ રાગ થાય છે તેનો તે કર્તા નથી. વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય છે તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા જ છે.

અહીં કહે છે કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ અને અણુ-વ્રત- મહાવ્રતાદિના ભાવ છે તે શુભરાગ છે, આસ્રવ છે. અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય, ઉપયોગમય છે. આવો આત્મા જો રાગનો કર્તા હોય તો આત્મા રાગથી અનન્ય -એક થઈ જાય. આત્મા અને આસ્રવ બે ભિન્ન તત્ત્વ એકરૂપ થઈ જાય. અને તો પછી રાગથી આત્મા અભિન્ન ઠરતાં પોતાના ચૈતન્યનો નાશ થઈ જાય, જીવ પોતે જ અજીવ ઠરતાં જીવનો લોપ થઈ જાય.

હવે કહે છે-‘આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે.’

પુણ્યપાપના ભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ બધા આસ્રવો પ્રત્યયો છે, શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ છે અને જ્ઞાનાવરણાદિ આઠ જડકર્મ છે. તે બધાને જો આત્મા કરે તો તે બધાથી આત્મા અનન્ય એટલે એક થઈ જાય અને તો