૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ અપેક્ષા ન હોય. જીવે રાગદ્વેષ કર્યા માટે પુદ્ગલ કર્મરૂપે બંધાયું એમ છે નહિ. જડ કર્મની જે પર્યાય પરિણમે છે તે પોતાના ષટ્કારકથી સ્વયં પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે.
બંધ અધિકારમાં આવે છે કે બીજા જીવને તું જીવાડી શક્તો નથી. તેના આયુષ્યથી તે જીવે છે અને આયુષ્ય પૂરું થતાં તેનું મરણ નીપજે છે. ભાઈ! કોઈનાં જીવન-મરણ કોઈ બીજો કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં જ નથી.
વિકારી ભાવરૂપે અજ્ઞાની સ્વયં-પોતે પરિણમે છે, અને તે કાળે સામે જે કર્મ-બંધન થાય તે તેની પરિણમનશક્તિથી થાય છે. અજ્ઞાની વિકારના પરિણામ કરે છે માટે ત્યાં કર્મને બંધાવું પડે છે એમ નથી. (બન્નેનાં પરિણમન પોતપોતામાં સ્વતંત્ર છે).
જ્ઞાનીને રાગ થાય છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનીને રાગ સંબંધીનું જ્ઞાન પોતામાં પોતાથી થાય છે. પોતાનું (સ્વદ્રવ્યનું) અને રાગ સંબંધીનું જ્ઞાન જે જ્ઞાનીને થાય છે તે જ્ઞાન પોતાની પરિણમનશક્તિથી થાય છે; રાગ છે તો તે જ્ઞાન થાય છે એમ નથી. પોતાના પરિણમનની શક્તિથી સ્વ-પરપ્રકાશક જ્ઞાન જ્ઞાનીને પ્રગટ થાય છે અને એમાં રાગની- પરની કોઈ અપેક્ષા નથી. જો જ્ઞાન સ્વશક્તિથી પોતાથી પરિણમે નહિ તો રાગ તેને પરિણમાવી શકે નહિ; રાગમાં એવી તાકાત નથી કે તે જ્ઞાનને પરિણમાવી દે.
જડની પરિણમનશક્તિથી જડ પરિણમે છે, જીવના કારણે તે પરિણમે છે એમ છે નહિ. જીવ રાગ, દ્વેષ, મોહ, વિષયવાસનાના પરિણામ કરે તે કાળે ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ પોતાથી પરિણમે છે. એ તેનો પરિણમનનો કાળ છે માટે સ્વયં પોતાથી પરિણમે છે. જીવના રાગાદિ વિકારભાવ તેનું પરિણમન કરી દે છે એમ નથી. જો જડ કર્મ સ્વયં પરિણમે નહિ તો તેને રાગ પરિણમાવી શકે નહિ, અને તે કર્મપ્રકૃતિ જો પોતાથી સ્વયં પરિણમે છે તો તેને રાગની અપેક્ષા છે નહિ. ભાઈ! પ્રત્યેક તત્ત્વ ભિન્ન-ભિન્ન છે. અજીવ તે જીવ નહિ અને જીવ તે અજીવ નહિ એમ સામાન્યપણે કહે, પણ અજીવનું પરિણમન હું કરી શકું અને મારું પરિણમન અજીવથી છે એવું માને તેને માન્યતામાં જીવ-અજીવની એકતા હોવાથી મિથ્યાત્વ છે.
આ અક્ષરો લખાય છે તે પરમાણુઓનું પરિણમન છે. પરમાણુઓ (પ્રત્યેક) સ્વયં સ્વતઃ પરિણમીને અક્ષરરૂપ થયા છે. એ અક્ષરરૂપ પરિણમન તારી કલમથી કે તારાથી (જીવથી) થયું છે એમ નથી. મોતીના દાણા જેવા અક્ષરો લખાય ત્યાં તું અભિમાન કરે કે- વાહ! કેવા સરસ અક્ષર મેં લખ્યા છે? ધૂળેય તેં લખ્યા નથી, સાંભળને! પરમાણુઓ ત્યાં સ્વયં પોતાની શક્તિથી અક્ષરરૂપે પરિણમ્યા છે. આ આગમ-મંદિરમાં આરસમાં જે આગમ કોતરાયાં છે તેનો પ્રત્યેક અક્ષર અનંત પરમાણુનો પિંડ છે. તે