૨૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નથી. આ મોટર જે ચાલે છે તે સ્વયં પોતાથી ચાલે છે, તેને પેટ્રોલની કે પર ચાલકની (ચલાવનારની) અપેક્ષા નથી. અહા! ગજબ વાત છે! આ ભેદજ્ઞાનની વાત લોકોને કઠણ પડે છે પણ આ સત્ય વાત છે. ભાઈ! પરની પર્યાય તારાથી ન થાય, અને તારી પર્યાય પરથી ન થાય કેમકે વસ્તુ સ્વયમેવ પરિણમનસ્વભાવવાળી છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ જે બંધાય તે જીવ રાગાદિ ભાવ કરે છે માટે બંધાય છે એમ નથી. અહાહા...! જડ અને ચૈતન્ય બન્નેનો પ્રગટ સ્વભાવ ભિન્ન છે અને બંને સ્વયમેવ પરિણમન સ્વભાવવાળા છે.
શાસ્ત્રની વાણી કાને પડતાં જે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ તે શાસ્ત્રના શબ્દોથી થઈ છે એમ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી સ્વતઃ ઉત્પન્ન થઈ છે, એને શબ્દોની અપેક્ષા નથી. શાસ્ત્રના શબ્દોને લઈને અહીં જ્ઞાન થયું છે એમ છે નહિ. અહો! આ ગાથાઓ બહુ ઊંચી છે! કહે છે- સ્વયં અપરિણમતાને બીજો કેમ પરિણમાવી શકે? અને સ્વયં જો પરિણમે છે તો તેને બીજાની અપેક્ષા શી?
પ્રશ્નઃ– બીજી ચીજ નિમિત્ત તો છે ને?
ઉત્તરઃ– હા, બીજી ચીજ નિમિત્ત છે. પણ એનો અર્થ શું? બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એ વાત ત્રણકાળમાં નથી. નિમિત્તનું કાર્ય નિમિત્તમાં અને ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં પોતાથી થાય છે. નિમિત્ત કોઈ પરવસ્તુને બદલાવી કે પરિણમાવી દેતું નથી, કેમકે સ્વયં પરિણમનારને કોઈ પરની અપેક્ષા નથી.
વસ્તુતઃ કુંભાર ઘડાનો કર્તા નથી. કુંભાર ઘડો કરે તો કુંભારનો ઘડામાં પ્રવેશ થઈ જાય. આ વાત અગાઉ ગાથા ૧૦૪ માં આવી ગઈ છે. માટીમય ઘટકર્મ માટીથી થયું છે. કુંભાર તેમાં પોતાનાં દ્રવ્ય કે પર્યાયને ભેળવતો નથી; પોતાનાં દ્રવ્ય-પર્યાયને નહિ ભેળવતો કુંભાર ઘટકર્મ કેમ કરે? પરમાર્થે કુંભાર ઘડાનો કર્તા છે જ નહિ. તેમ આ જીવને જે વિકાર થાય છે તે પોતાથી થાય છે, તેમાં કર્મની અપેક્ષા નથી. કર્મ નિમિત્ત હો ભલે, પણ કર્મને લઈને જીવમાં વિકારના પરિણામ થાય છે એમ છે નહિ. નિમિત્તથી કાર્ય થાય એવું માનનારનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે.
પૂજા કરતી વખતે ‘સ્વાહા’ ઇત્યાદિ પાઠ જે બોલે છે તે ભાષાની પર્યાય છે અને તે પરમાણુની પરિણમનશક્તિથી સ્વતઃ થાય છે. ભાષાની પર્યાયનો જીવ કર્તા નથી. જીવને વિકલ્પ થયો માટે ભાષાનું પરિણમન થયું છે એમ નથી. અહા! નવે તત્ત્વ ભિન્ન ભિન્ન છે. ત્યાં એક તત્ત્વ બીજાનું શું કરે? ભગવાને તત્ત્વોની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. ભાઈ! આ વાત તને પરિચય નહિ એટલે સાધારણ લાગે પણ આ ભેદજ્ઞાનની અસાધારણ વાત છે.