સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦૯
આ પુસ્તક જે અહીં (ઘોડી ઉપર) રહ્યું છે તે ઘોડીના આધારે રહ્યું છે એમ નથી. અધિકરણ નામની દ્રવ્યમાં શક્તિ છે; તે પોતાની શક્તિના આધારે પુસ્તક રહ્યું છે, ઘોડીના આધારે નહિ. (પુસ્તક પુસ્તકમાં અને ઘોડી ઘોડીમાં છે). આ મકાનનું છાપરું છે તે કેંચીના આધારે નથી અને કેંચી છે તે ભીંતના આધારે રહી નથી. અહાહા...! પરમાણુ-પરમાણુની પ્રતિસમય થતી પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, પરને લઈને તે પર્યાય થતી નથી. જડ અને ચેતનમાં સમયે સમયે જે પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે, કોઈ અન્યની તેમાં અપેક્ષા નથી, કોઈ અન્ય તેને પરિણમાવતો નથી.
પ્રવચનસાર ગાથા ૧૦૨ માં આવે છે કે દરેક પર્યાયની જન્મક્ષણ હોય છે અને તે કાળે તે પર્યાય સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે, તેમાં બીજાની અપેક્ષા નથી. તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. હવે કહે છે-
‘એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.’
જુઓ, આ દાખલો આપ્યો કે ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે, ઘડારૂપે માટી પરિણમી છે. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું નહિ.
પ્રશ્નઃ– માટી લાખ વર્ષ પડી રહે તોપણ શું કુંભાર વિના ઘડો થાય છે?
ઉત્તરઃ– હા, અહીં કહે છે કે માટીનો ઘડો થવાનું કારણ માટીમાં પોતામાં રહેલું છે. વસ્તુનો સહજ પરિણમનસ્વભાવ છે ને! માટી સ્વયં ઘડો થવાના કાળે ઘડારૂપે પરિણમે છે. એમાં કુંભારનું કાંઈ કર્તવ્ય નથી. કુંભાર તો બાહ્ય નિમિત્તમાત્ર છે. અહાહા...! ભાષા તો જુઓ! કહે છે-ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ગજબ વાત છે! માટીમાં ઘડારૂપ પર્યાય થવાનો કાળ-જન્મક્ષણ છે તો માટીથી સ્વતઃ ઘડારૂપ પરિણામનો ઉત્પાદ થયો છે. કુંભારથી ઘડો ઉત્પન્ન થાય છે એમ ત્રણકાળમાં બનતું નથી.
કોઈ સ્ત્રીના હાથથી રસોઈ સારી થતી હોય તો લોકો કહે છે કે આ બાઈ બહુ હોશિયાર છે અને એનો હાથ બહુ હળવો છે એટલે રસોઈ-ભજીયા, પુડલા વગેરે-સારી થાય છે. અરે, બાઈથી અને એના હાથથી ધૂળેય થતું નથી, સાંભળને! એ રસોઈરૂપ પરિણામ તો તે કાળે તે તે પુદ્ગલપરમાણુ સ્વતઃ પરિણમીને થયા છે, સ્ત્રી કે તેનો હાથ તે પરિણામનો કર્તા નથી.
આ મેં કર્યું, આ મેં કર્યું-એમ કરી-કરીને અજ્ઞાની જીવ અનંતકાળથી મરી રહ્યો છે, ચાર ગતિમાં દુઃખી-દુઃખી થઈને રખડી રહ્યો છે. આટલાં પુસ્તક બનાવ્યાં, ને