વ્યવહારીજન ‘આત્મા’ એવો શબ્દ સાંભળતાં કાંઈપણ સમજતો નથી. કેમકે ‘આત્મા’ શું પદાર્થ છે એનું એને જ્ઞાન નથી. તેથી આ શું કહે છે-શું બકે છે એમ અનાદરથી નહીં, પણ શું કહે છે-એવી સમજવાની જિજ્ઞાસાથી મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. ‘આત્મા’ સત્ય શું છે? ભગવાનનું કહેલું તત્ત્વ શું છે? એ સાંભળવાની લાયકાતથી કહેનારની સામે આંખો ફાડીને ટગટગ જુએ છે.
પણ જ્યારે વ્યવહાર-પરમાર્થમાર્ગ પર સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન અન્ય કોઈ આચાર્ય અથવા ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો ‘આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે, ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ-તરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે; એવો તે વ્યવહારીજન તે ‘આત્મા’ શબ્દનો અર્થ સુંદર સમજી જાય છે.
જુઓ, અહીં સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન આચાર્ય વ્યવહાર-પરમાર્થમાર્ગમાં સ્થિત છે. નિશ્ચય વસ્તુ આત્મા સ્વરૂપથી જે છે તે છે તે પરમાર્થ છે અને તેને ભેદ કરીને સમજાવવી તે વ્યવહાર છે. અહીં અન્ય આચાર્ય કે ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને એટલે વિકલ્પથી ભેદ પાડીને શિષ્યને સમજાવે છે. વસ્તુ તો અભેદ એકરૂપ છે પણ શિષ્યને સમજાવવું હોય ત્યારે ભેદ પાડીને સમજાવવું પડે છે, કેમકે બીજો તો કોઈ ઉપાય નથી. તેથી અખંડ, અભેદ આત્મામાં નામમાત્ર ભેદ ઉપજાવી શિષ્યને સમજાવે છે કે ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા.’ અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા આત્માના ત્રણ અસાધારણ મુખ્ય ધર્મોનું લક્ષ કરી ભેદ પાડીને સમજાવ્યું છે. શરીર કે પુણ્ય-પાપના ભાવને પ્રાપ્ત હોય તે આત્મા એમ લીધું નથી, પણ દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા એમ વ્યવહારથી ભેદ પાડીને સમજાવે છે.
અહાહા...! મુનિરાજ આચાર્ય દિગંબર સંત છે. એમણે શિષ્યને કહ્યું- ‘આત્મા.’ પણ શિષ્ય કાંઈ સમજ્યો નહીં. એટલે વસ્તુ આત્મા છે તો અંદરમાં અનંતગુણને પ્રાપ્ત અભેદ, પરંતુ એના મુખ્ય ધર્મોને લક્ષ કરી ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા’ એમ ભેદ કરીને શિષ્યને સમજાવે છે. રાગને પ્રાપ્ત થાય તે આત્મા કે શરીરને પ્રાપ્ત થાય તે આત્મા એમ છે નહીં. આટલો ભેદ પાડવો પડે એ કાંઈ ઉપાય તો નથી; પણ થાય શું? ભેદ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થ વસ્તુ અભેદ આત્મા જ છે. “अतति गच्छति इति आत्मा” એમ દ્રવ્યસંગ્રહમાં આવે છે. અહીં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા’ એમ ભેદ પાડીને આચાર્ય પરમાર્થ સમજાવે છે.