પ્રવચન નંબર ૨૦–૨૨, તારીખ ૨૦–૧૨–૭પ થી ૨૨–૧૨–૭પ
જેમ અનાર્ય (મ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી.
અનાર્યને સમજાવવું હોય ત્યારે એની ભાષામાં સમજાવાય. અનાર્યભાષા વિના એને વસ્તુનું સ્વરૂપ ન સમજાવી શકાય. તેમ અજ્ઞાનીને સમજાવવો હોય ત્યારે ભેદ પાડયા વિના પરમાર્થ વસ્તુને સમજાવી શકાય નહીં. આત્મા, આત્મા, આત્મા એમ કહીએ, પણ ભેદ પાડીને વ્યવહારથી સમજાવીએ નહીં કે ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા’ ત્યાં લગી અજ્ઞાની કાંઈ સમજી શકે નહીં. તેથી ભેદ પાડીને પરમાર્થ વસ્તુ સમજાવવામાં વ્યવહાર આવે ખરો, પણ તે આદરણીય નથી.
જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્ય-વાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈપણ સમજતો નથી. વાચ્ય પદાર્થ અને તેના વાચક શબ્દો એ બન્નેના સંબંધનું જ્ઞાન ન હોવાથી મ્લેચ્છ કાંઈપણ સમજતો નથી. જેમ ‘સાકર’ પદાર્થ વાચ્ય છે અને ‘સાકર’ શબ્દ તેનો વાચક છે. તેમ ‘સ્વસ્તિ’ એટલે ‘તારું અવિનાશી કલ્યાણ થાઓ’ એ વાચ્ય છે અને ‘સ્વસ્તિ’ શબ્દ એનું વાચક છે. પણ આ વાચ્ય-વાચક સંબંધનું જ્ઞાન ન હોવાથી કાંઈપણ ન સમજતાં આ શું કહે છે?-એમ તે મ્લેચ્છ બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે.
પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છભાષા બોલી તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ “તારું અવિનાશી કલ્યાણ થાઓ”-એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતાં અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ સમજી જાય છે. અહા! આવો આ બ્રાહ્મણનો આશીર્વાદ છે એમ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ બરાબર સમજવાથી તેની આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ જાય છે. આ દ્રષ્ટાંત થયું, હવે સિદ્ધાંત કહે છે.
એવી રીતે વ્યવહારીજન પણ ‘આત્મા’ એવો શબ્દ કહેવામાં આવતાં જેવો ‘આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈપણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. અહીં મ્લેચ્છના સ્થાને વ્યવહારીજન લીધો છે.