કલ્યાણ થાઓ” એવો છે. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ ‘આત્મા’ એવો શબ્દ કહેવામાં આવતાં જેવો ‘આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો ‘આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધતરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે ‘આત્મા’ શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ મ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવાયોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું-એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થઃ– લોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેકપ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.
ગાથા ૭માં એમ કહ્યું કે આત્મા ચિદ્ઘન વસ્તુ છે. એમાં શરીર, મન, વાણી, કર્મ તો છે જ નહિ, પણ કર્મના સંગે જે શુભ-અશુભ ભાવો થાય એ મલિનતા, અશુદ્ધતા પણ એના સ્વરૂપમાં નથી. એ તો ઠીક, પણ જ્ઞાનઘન આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા એવી અનંત શક્તિઓ છે, છતાં આ શક્તિઓના ભેદ અભેદ આત્મામાં નથી. ગુણ અને ગુણી પરમાર્થે અભેદ છે, ભેદરૂપે નથી.
આમ હોવા છતાં શિષ્યને સમજાવવા માટે અભેદમાં નામમાત્ર ભેદ પાડીને જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એમ ઉપદેશ કરવામાં આવે છે. તોપણ ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતું નથી. માટે ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો એમ ઉપદેશ કરવામાં આવ્યો છે.
ત્યારે શિષ્યને પ્રશ્ન થાય છે કે-જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ