સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨પ ] [ ૨૧૯ નથી. જેને પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી તેને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થતી નથી. અહાહા...! સમયે સમયે થતી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્રપણે થાય છે એવી જેને શ્રદ્ધા નથી તેને પર્યાયરહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ જતી નથી.
અહીં કહે છે-સ્વયં પરિણમનારને બીજાની અપેક્ષા નથી. વસ્તુની જે શક્તિઓ છે તેને પરની અપેક્ષા ન હોય. ગજબ વાત છે! આ મહાસિદ્ધાંત કહ્યો છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે જે પર્યાય થાય તે સ્વયં પોતાથી થાય છે; તેમાં સામે બીજી ચીજ નિમિત્ત હો, અનુકૂળ હો; અને તે કાળે જે પોતામાં પર્યાય થઈ તે નિમિત્તને અનુરૂપ હો; પણ નિમિત્તથી નૈમિત્તિક પર્યાય થાય છે એમ કદીય નથી. નિમિત્તથી (ઉપાદાનની) પર્યાય થાય તો નિમિત્ત ઉપાદાન થઈ જાય. (પણ એમ છે નહિ).
અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને છે. તેમ જૈનમાં રહીને જો કોઈ કર્મને કર્તા માને તો તે અન્યમતી જેવો છે. કર્મ હેરાન કરે છે એમ માને એની દ્રષ્ટિ વિપરીત છે; તે મિથ્યાદ્રષ્ટિ છે. કર્મ તો જડ છે, તે શું કરે? પૂજામાં જયમાલામાં આવે છે કે-
જુઓ! અગ્નિ લોઢાનો સંગ કરે તો તેને ઘણના ઘા ખાવા પડે છે. તેમ જીવ સ્વયં વિકારનો સંગ કરે તો દુઃખી થવું પડે છે. કર્મ કે નોકર્મ તેને રાગ કરાવે છે એમ નથી. કર્મથી રાગ થાય છે એમ નથી. જીવ સ્વયં રાગરૂપે પરિણમે છે ત્યાં તેને પરની અપેક્ષા નથી, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. આ રીતે બન્ને પક્ષથી અજ્ઞાનીની વાત જૂઠી સિદ્ધ થાય છે.
તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો.
હવે કહે છે-‘એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્ર-સાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
ક્રોધ-માન-માયા-લોભરૂપ ભાવ છે તે અજ્ઞાનસ્વભાવવાળા છે. તે ક્રોધાદિ ભાવ જડકર્મથી થયા છે એમ નથી. વળી તે ક્રોધાદિ ભાવ જ્ઞાનીના છે એમ પણ નથી. એ બધા ભાવો અજ્ઞાનસ્વભાવવાળા છે. એવા સ્વભાવે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો (અજ્ઞાની) જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
‘જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.’