૨૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ગાથા ૩૦૮ થી ૩૧૨ ની ટીકામાં ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. ત્યાં કહ્યું છે કે-‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી.’ જુઓ, એકલો ક્રમ-એમ નહિ પણ ક્રમનિયમિત છે એમ સ્પષ્ટ કહ્યું છે. તેનો અર્થ એ થાય છે કે જીવ અને અજીવની જે કાળે જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ પોતાથી થાય છે. કોઈ પણ પર્યાય આઘી-પાછી કે આડી-અવળી ન થાય. ભાઈ! ક્રમબદ્ધની આ વાત આમ શાસ્ત્રના આધારથી છે, કાંઈ અદ્ધરથી કલ્પનાની વાત નથી. જેમ મોતીના હારમાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે, આગળ-પાછળ નથી. તેમ પ્રત્યેક દ્રવ્યમાં દરેક પર્યાય જે સમયે થવાની છે તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય છે, આઘી-પાછી કે આડી-અવળી થતી નથી.
જીવ પોતામાં વિકારના પરિણામ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે કર્મને તેમાં અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે છે. જીવમાં વિકાર થાય ત્યારે કર્મનો ઉદય અનુકૂળ છે પણ ત્યાં કર્મ નિમિત્ત છે તો અહીં જીવમાં વિકાર થાય છે એમ નથી. અહાહા...! સ્વયં અપરિણમતાને અન્ય કોઈ પરિણમાવી શકે નહિ. જીવ સ્વયં વિકારરૂપે ન પરિણમે તો કર્મનો ઉદય જીવને વિકારરૂપે પરિણમાવે એ ત્રણકાળમાં બની શકે નહિ, કેમકે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. આ એક વાત.
હવે બીજી વાતઃ-સ્વયં પરિણમતાને પર પરિણમાવનારની અપેક્ષા ન હોય, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. જીવમાં સ્વયં વિકાર પોતાની યોગ્યતાથી થાય છે તો નિમિત્તથી-પરથી વિકાર થાય એ વાત કયાં રહી? સ્વયં પરિણમનારને પરની શું અપેક્ષા? જીવ વિકારરૂપે પરિણમે છે તે કાળે કર્મ નિમિત્ત છે, કર્મ તેમાં અનુકૂળ છે પણ કર્મ છે તો જીવ વિકારરૂપે પરિણમે છે વા કર્મને લઈને જીવ વિકારરૂપે પરિણમે છે એમ બિલકુલ નથી.
જીવને સમ્યગ્દર્શન થાય ત્યાં વ્યવહાર હોય છે; તે વ્યવહાર જાણવા લાયક છે. પણ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ છે નહિ. વ્યવહાર છે ખરો પણ એનાથી નિશ્ચય-સમ્યગ્દર્શન થતું નથી. જેમ નિમિત્તથી પરનું કાર્ય થતું નથી તેમ વ્યવહારથી નિશ્ચય થતો નથી.
સર્વજ્ઞ ભગવાને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોક દેખ્યા છે. તો જે પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે તે પર્યાય થાય. તેને આઘી-પાછી કરવા કોઈ સમર્થ નથી. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે સર્વજ્ઞ ભગવાને જે પ્રમાણે જોયું તે પ્રમાણે તે તે કાળે તે તે પર્યાય ત્યાં થશે. તેને ફેરવવા કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ