સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨પ ] [ ૨૧૭ માને છે એ તારું પાગલપણું છે, મૂઢતા છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દ્રષ્ટાંત આવે છે કે-એક પાગલ (બહાવરો) બેઠો હતો. ત્યાં રાજાએ સૈન્ય સહિત આવીને પડાવ નાખ્યો. હાથી, ઘોડા, રાજકુમાર, દાસ, દાસી એ બધાને જોઈને તે પાગલ આ બધાં મારાં છે એમ સમજવા લાગ્યો. ભોજન કરીને સૈન્ય સહિત જ્યારે રાજાએ પ્રયાણ કર્યું તો તે પાગલ વિચારવા લાગ્યો-અરે! આ બધાં કયાં ચાલ્યાં? એવા વિચારથી તે અત્યંત ખેદખિન્ન થયો. તેમ અજ્ઞાની જીવ, કય ાંયથી પુત્ર, ધન આદિનો વર્તમાનમાં સંયોગ થતાં એ બધાં મારાં છે એમ માને છે તે મૂર્ખ પાગલ જેવો છે. ભાઈ! એ બધાં તારાં નથી, તારા કારણે આવ્યાં નથી, તારાં કારણે રહ્યાં નથી. પોતપોતાના કારણે સૌ આવ્યાં છે, પોતપોતાની યોગ્યતાથી રહ્યાં છે અને પોતપોતાના કારણે સૌ ચાલ્યાં જશે. કોઈના કારણે કોઈ છે એમ છે નહિ. અહીં કહે છે કે જીવમાં જે વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મના કારણે નહિ.
જીવ જો સ્વયં પોતે વિકારરૂપે ન પરિણમે તો તે કૂટસ્થ સિદ્ધ થશે અને એમ થતાં સંસારનો અભાવ થઈ જશે.
ત્યારે આ તર્ક કરવામાં આવે છે કે-જીવ પોતે વિકારરૂપે પરિણમતો નથી પણ જડ કર્મ તેને વિકારરૂપે પરિણમાવે છે, તેથી સંસારનો અભાવ થતો નથી. આ તર્કનું અહીં નિરાકરણ કરવામાં આવે છે.
કહે છે કે સ્વયં અપરિણમતા જીવને ક્રોધરૂપે-વિકારરૂપે પરિણમાવી શકાય નહિ કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને કોઈ અન્ય કરી શકે નહિ. પોતે જ સ્વયં પરિણમતો નથી તેને અન્ય કેમ પરિણમાવી શકે? ત્રણકાળમાં ન પરિણમાવી શકે. વસ્તુમાં પરિણમવાની શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે એ ત્રણકાળમાં સંભવિત નથી. અહો! દિગંબર સંતોએ ગજબ વાત કરી છે! અહાહા...! દિગંબર મુનિવરો જાણે ચાલતા સિદ્ધ! ધન્ય એ અવતાર! ધન્ય એ મુનિદશા! અહાહા...! અમૃતચંદ્રસ્વામીએ શું અદ્ભુત ટીકા રચી છે!
સ્ફટિકમાં ફૂલના નિમિત્તે જે લાલ-લીલી ઝાંય પડે છે તે ઝાંયરૂપે સ્ફટિક પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમે છે; ફૂલના કારણે તે લાલ-લીલી ઝાંય પડે છે એમ નથી. લાકડાની નજીક જો લાલ-લીલી ફૂલ રાખે તો ત્યાં ઝાંય પડતી નથી કેમકે લાકડામાં તે જાતનું પરિણમન થવાની યોગ્યતા નથી.
નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધપર્યાય આ પાંચ મહત્ત્વની વાત પર અત્યારે મુખ્યપણે ચર્ચા છે. જેને સમજાય નહિ તે વાંધા ઉઠાવે છે, પરંતુ દિગંબર સંતોએ સત્યને ખુલ્લું મૂકયું છે. તે સમજ્યે જ જીવનું કલ્યાણ છે.