૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છેઃ-
‘જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય.’
જુઓ, આ ગાથાઓ બહુ ઊંચી છે. અહીં ક્રોધ શબ્દથી વિકારી ભાવ સમજવું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના વિકલ્પ એ જીવનું કર્મ-કાર્ય છે. તે વિકારના ભાવે જીવ સ્વયમેવ જો ન પરિણમે તો તે ખરેખર અપરિણામી-નહિ બદલનારો કૂટસ્થ જ ઠરે.
જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે; કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. પોતાના (ઊંધા) પુરુષાર્થથી વિકાર થાય છે અને પોતાના (સમ્યક્) પુરુષાર્થથી વિકાર ટળે છે. વિકાર નિશ્ચયથી પોતાના ષટ્કારકથી થાય છે, તેમાં પર કારકોની અપેક્ષા નથી. પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં આવે છે કે વિકાર પોતાના ષટ્કારકથી થાય છે, કર્મથી નહિ. કર્મ નિમિત્ત હો, અનુકૂળ હો; પરંતુ કર્મથી વિકાર થતો નથી.
અહીં કહે છે કે જીવ સ્વયં વિકારરૂપે ન પરિણમતો હોય તો તે અપરિણામી સિદ્ધ થશે અને અપરિણામી સિદ્ધ થતાં સંસારનો અભાવ થશે. સંસાર એટલે આ બૈરાં-છોકરાં નહિ. પણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામને સંસાર કહેવામાં આવે છે. જીવ પોતે સ્વયં મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામરૂપે ન પરિણમે તો સંસારનો અભાવ થઈ જશે.
‘અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ‘‘પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી,’’ તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-
પુદ્ગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો.’
આ બધું તારે સમજવું પડશે, ભાઈ! આ મકાન, બાગ-બંગલા, ધન, કુટુંબ ઇત્યાદિ તારાં નહિ રહે ભાઈ! બધું ક્ષણવારમાં જ છૂટી જશે. તું આ પરને પોતાનાં