સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨પ ] [ ૨૨૧ છે. ચાહે તો મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ કરે, ચાહે તો સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ કરે; તે તે પરિણામ જીવ પોતે કરે છે અને પોતે પોતાના પરિણામનો કર્તા છે. પોતાના પરિણમનમાં કોઈ અન્યનો હસ્તક્ષેપ નથી અને કોઈ અન્યના પરિણામ પોતે કરતો નથી. અજ્ઞાની અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની જ્ઞાનભાવે જ્ઞાનનો કર્તા થાય છે. જડ પરમાણુઓનો-કર્મનો કર્તા જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જડ કર્મ પોતે પોતાના સામર્થ્યથી પરિણમે છે અને જીવ પણ પોતે પોતાના સામર્થ્યથી પરિણમે છે.
કોઈ પણ પળે કોઈ સંયોગી ચીજથી જીવમાં પરિણમન થાય છે એમ નથી. મિથ્યાત્વના જે પરિણામ થાય છે તે પોતાના કારણે થાય છે, કોઈ કુગુરુના કારણે એ પરિણામ થાય છે એમ નથી. તેવી રીતે સમ્યક્ત્વના પરિણામ જે થયા છે તે સહજ પોતાથી થયા છે, કોઈ સુગુરુના કારણે એ પરિણામ થયા છે એમ નથી. અન્ય નિમિત્તથી જીવમાં કાર્ય થાય એમ ત્રણકાળમાં નથી. પોતાની પરિણમનશક્તિથી પોતામાં પોતાનું કાર્ય થાય છે. અહાહા...! આનું જ નામ અનેકાન્ત છે કે પોતે પોતાથી પરિણમન કરે છે, પરથી કદીય નહિ. ભાઈ! એક પણ સિદ્ધાંત યથાર્થ બેસી જાય તો સર્વ ખુલાસો-સમાધાન થઈ જાય એવી આ વાત છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્ય કરી શકે એ વાત ત્રણકાળમાં શકય નથી.
જીવમાં નિર્વિઘ્ન પરિણમનશક્તિ છે. મતલબ કે જીવની પરિણમનશક્તિ કોઈ અન્યના આશ્રયે નથી. જીવ નિર્મળ કે મલિન ભાવે પરિણમે ત્યાં તેની નિર્મળ કે મલિન પર્યાય પોતાથી થાય છે, પરથી-કર્મથી નહિ. તેમ પરમાણુ જે પલટે તે પોતાની પરિણમનશક્તિથી પલટે છે, આત્માથી તે પલટતા નથી. પ્રત્યેક પદાર્થમાં અનાદિ-અનંત પરિણામસ્વભાવ છે, તેથી પ્રતિસમય તે પોતાથી પરિણમે છે, પરથી નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે.
આ વેપારધંધાનાં કામ આત્મા કરી શક્તો નથી એમ કહે છે. કોઈ પણ જીવ કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાળે પોતાની પર્યાયની પરિણતિનો કર્તા છે, પણ પરની પરિણતિનો કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાળે કોઈ જીવ કર્તા નથી.
આ પગ ચાલે છે તે તેની પરિણમનશક્તિથી ચાલે છે, જીવને લઈને નહિ. જીવ તો જીવના પોતાના પરિણમનને કરે છે. જીવ જીવના પરિણમનમાં સ્વતંત્ર છે અને પર પરના પરિણમનમાં સ્વતંત્ર છે. કોઈનું પરિણમન કોઈ પરના આશ્રયથી થાય છે એવી વસ્તુસ્થિતિ જ નથી. અહો! વીતરાગનું તત્ત્વ આવું અત્યંત સૂક્ષ્મ અને હિતકારી છે!
‘જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે.’
પરમાણુ પરિણામસ્વભાવી છે એ વાત આગળ આવી ગઈ. હવે કહે છે કે જીવ