૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ પણ પરિણામસ્વભાવી છે. ચાહે તો જ્ઞાનાનંદભાવે પરિણમે, ચાહે તો રાગાદિભાવે પરિણમે; પોતે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો તે કર્તા થાય છે. જીવ રાગભાવે પરિણમે ત્યારે જે કર્મબંધન થાય તે કર્મબંધનની પર્યાયનો કર્તા જીવ નથી, તે કર્મબંધનની પર્યાયનો કર્તા તે કર્મના પરમાણુ છે. તે કર્મ પોતાના પરિણમનથી બંધાય છે. આત્મા રાગ-દ્વેષના ભાવ જે પોતામાં કરે છે તેનો તે પોતે કર્તા છે, પણ જડ કર્મની પર્યાયનો આત્મા કર્તા નથી.
જ્ઞાની જ્ઞાનભાવનો કર્તા છે, રાગ-દ્વેષનો નહિ; અજ્ઞાની રાગ-દ્વેષનો કર્તા છે, અને પરમાણુ જડકર્મનો કર્તા છે; જ્ઞાની કે અજ્ઞાની કોઈ જડકર્મનો કર્તા નથી. આ પ્રમાણે જીવ જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો તે કર્તા થાય છે.