સમયસાર ગાથા-૧૨૬ ] [ ૨૨પ તો એવું માનનાર જીવ મૂઢ અજ્ઞાની છે, કેમકે પૈસાના પરિણામનો કર્તા તે પૈસા (પૈસાના પરમાણુ) છે. અરે! આ હાથને હું હલાવું છું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. પરમાણુમાં પરિણમનશક્તિ છે તો તેના પરિણમનથી હાથ હાલે છે; તે જડના પરિણામનો કર્તા આત્મા કદીય નથી.
પોતાને પરનો કર્તા માને તે બધા મૂર્ખ-પાગલ છે. કુંદકુંદાચાર્યદેવ અને અમૃતચંદ્રાચાર્યદેવ કેવળી ભગવાનના આડતિયા થઈને માલ બતાવે છે કે ભાઈ! જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ છે. ધર્મી જીવના શ્રદ્ધા-જ્ઞાન અને શાન્તિના બધા વીતરાગી પરિણામ હોય છે અને તે બધા જ્ઞાનમય જ છે. શરીરના જે પરિણામ થાય તે જ્ઞાનીના પરિણામ નથી. તથા દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવના પરિણામ થાય તે પણ જ્ઞાનીના પરિણામ નથી. સ્વ અને પરને (રાગાદિને) જાણવારૂપ જે ચૈતન્યના જાણવા-દેખવાના પરિણામ થાય છે તે જ્ઞાનીનું કાર્ય છે અને તે જ્ઞાનમય પરિણામનો જ્ઞાની કર્તા છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો તેવા જ્ઞાનીના સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણામમાં રાગાદિ અજ્ઞાનમય પરિણામ નથી.
આ માસિક (આત્મધર્મ) બહાર પડે છે તેના અક્ષરો હું લખું છું એમ જો કોઈ માને તો તે મૂઢ જીવ છે. અક્ષરના પરમાણુથી તે પર્યાય થાય છે, તેને બીજો કરે છે અર્થાત્ બીજો અક્ષર લખે છે તે તદ્ન ખોટી વાત છે. અજ્ઞાની પોતાને પરનો કર્તા માને છે તે તેનું મિથ્યા અભિમાન છે. બીજાની હું રક્ષા કરું છું, બીજાને સુખી કરું છું, બીજાને હું મદદ કરું છું એમ માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. પરનું કાર્ય હું કરું છું એવા મિથ્યા પરિણામ જ્ઞાનીને હોતા નથી. તથા પોતાની પર્યાયમાં જે રાગાદિ ભાવ થાય તે મારું કર્તવ્ય (કાર્ય) છે એમ પણ જ્ઞાની માનતા નથી. ચક્રવર્તી સમકિતીને છ ખંડનું રાજ્ય હોય, ૯૬૦૦૦ રાણીઓના વૃંદમાં અને તત્સંબંધી રાગમાં તે ઊભો હોય તોપણ તે પરિણામોનો કર્તા હું છું એમ તેઓ માનતા નથી. ઝીણી વાત છે, ભાઈ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું એમ જ્ઞાની માને છે. અહા! શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થયેલા શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ-સ્વચ્છતા-વીતરાગતારૂપ ધર્મીના પરિણામ જ્ઞાનમય જ હોય છે એમ કહે છે.
અરે! ચોરાસી લાખ યોનિમાંથી એક-એક યોનિમાં જીવ અનંત-અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે! પોતાના શુદ્ધ ચિદાનંદમય ભગવાનને ભૂલી જઈને પરને પોતાના માનવારૂપ મિથ્યાત્વના કારણે અનાદિ કાળથી જીવ મહા દુઃખકારી ભવભ્રમણ કરી રહ્યો છે. અરે ભાઈ! જે પોતાનું નથી તેને પોતાનું માનવું તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વના ફળરૂપે તું અનાદિથી જન્મ-મરણરૂપ સંસારમાં રખડે છે.