૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
‘આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે.)’
પ્રત્યેક આત્મા સ્વયમેવ એટલે નિશ્ચયથી પરિણામસ્વભાવી છે. સ્વયં બદલવાના સ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ તે કર્તા થાય છે. જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો તે કર્તા થાય છે અને તે ભાવ તેનું કર્મ નામ કાર્ય છે. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી.
આત્મા જે પરિણામ કરે છે તે એનું કર્મ નામ કાર્ય છે, અને પોતે તેનો કર્તા છે. અહા! ભાષા તો ખૂબ સાદી છે પણ ભાવ ખૂબ ગંભીર છે. આ માથે ટોપી પહેરેલી છે તે અવસ્થારૂપે ટોપીના પરમાણુઓ પરિણમન કરવાથી ટોપી માથા ઉપર રહી છે; આત્માથી ટોપી માથા ઉપર રહી નથી. આત્મા તો આત્માના પરિણામનો કર્તા છે, ટોપીની અવસ્થાનો નહિ. ખૂબ ગંભીર વાત!
જુઓ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે પરમાત્મા દિવ્યધ્વનિ દ્વારા જે ફરમાવતા હતા તે વાત અહીં આવી છે. ભગવાન કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ગયા હતા અને સીમંધર પરમાત્માની વાણી તેમણે સાક્ષાત્ સાંભળી હતી. ત્યાંથી ભરતક્ષેત્રમાં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે-ભગવાનનો હુકમ છે કે પ્રત્યેક આત્મા પોતાના જે ભાવને કરે છે તે ભાવનો પોતે કર્તા છે અને તે ભાવ તેનું કર્મ કહેતાં કાર્ય છે. હવે કહે છે-
‘તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.’
શું કહ્યું? ધર્મી સમ્યક્દ્રષ્ટિ જીવ જેને એક જ્ઞાયકભાવ હું છું એવો અંતરમાં અનુભવ થયો છે એવા જ્ઞાનીને જે પરિણામ થાય તે જ્ઞાનમય જ છે. અહાહા...! ધર્મીને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના જે પરિણામ થાય છે તે જ્ઞાનમય જ છે. જ્ઞાનીના તે પરિણામ આત્મામય- ચૈતન્યમય જ હોય છે અને તે પરિણામનો જ્ઞાની કર્તા છે. પરંતુ દયા, દાન, વ્રત આદિ રાગના પરિણામનો જ્ઞાની કર્તા નથી.
ભાઈ! આ બધા કરોડપતિ છે તે ધૂળના પતિ છે. આ પૈસા (ધન) આવે-જાય તે પરમાણુની પર્યાય છે. આત્મા તેનો કર્તા નથી. તારા પ્રયત્નથી તે આવે-જાય છે એમ નથી. કોઈ એમ માને કે હું પૈસા કમાઉં છું અને યથેચ્છ (દાનાદિમાં) વાપરું છું