સમયસાર ગાથા-૧૨૬ ] [ ૨૨૯
જ્ઞાનીને સમ્યક્ પ્રકારે-એટલે ધારણાથી નહિ પણ સ્વરૂપના લક્ષે-સાચો વિવેક પ્રગટ થયો છે. હું સર્વ પરદ્રવ્યભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આનંદમૂર્તિ ભગવાન આત્મા છું- એમ સ્વપરની ભિન્નતાનો સમ્યક્ પ્રકારે જ્ઞાનીને વિવેક પ્રગટ થયો છે. અહાહા...! શરીર, મન, વાણી, કુટુંબ એ બધાં પરદ્રવ્ય છે એ વાત તો ઠીક; આ દયા, દાન, ભક્તિ આદિનો જે શુભરાગ થાય છે તે પણ પરદ્રવ્ય છે, એ સર્વથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ છે-એમ ભિન્ન આત્માની ખ્યાતિ જ્ઞાનીને અત્યંત ઉદય પામી છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. ધર્મીને આત્મખ્યાતિ- આત્મપ્રસિદ્ધિ પ્રગટ થઈ છે તેથી તેના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે.
અજ્ઞાનીને સમયે-સમયે વિકારની પ્રસિદ્ધિ થયા કરે છે. સમ્યગ્દર્શન એટલે આત્મ- ખ્યાતિ પોતાથી પ્રસિદ્ધ થાય છે, કોઈ પાસેથી મળતી નથી. પોતાથી પ્રગટ થાય ત્યારે ગુરુગમથી પ્રગટ થઈ એમ નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવે છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે. તેમની જે દિવ્યધ્વનિ છૂટે છે તે ઇન્દ્રિય છે. ભગવાનની વાણી ઇન્દ્રિયનો વિષય હોવાથી ઇન્દ્રિય છે એ વાત ગાથા ૩૧ માં આવી ગઈ છે. ભાઈ! એ ઇન્દ્રિય પ્રત્યે તારું લક્ષ જશે તો રાગ ઉત્પન્ન થશે. અહાહા...! ભગવાન એમ કહે છે કે અમારા પ્રતિ અને દિવ્યધ્વનિ પ્રતિ તારું લક્ષ જશે તો તને ચૈતન્યની ગતિ ન થતાં દુર્ગતિ એટલે રાગ થશે. નિમિત્તનું લક્ષ છોડી અંતરસ્વભાવમાં એકાગ્ર થતાં જે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કર્તા છે. જ્ઞાનીને દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી રાગ આવે છે પણ તે રાગ જ્ઞાનીનું કાર્ય નથી, જ્ઞાની તો તે રાગના જ્ઞાતામાત્ર છે, કર્તા નથી.
ધર્મીને સમ્યક્ પ્રકારે ભિન્ન આત્માનું ભાન પ્રગટ થયું છે. હું તો એક શુદ્ધ ચૈતન્ય છું, આનંદ છું, શાંત છું, વીતરાગ છું, સ્વચ્છ છું-આવી આત્મખ્યાતિ અત્યંત ઉદય પામી છે તેથી જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભગવાન આત્મા રાગથી ભિન્ન છે એવો વિવેક અજ્ઞાનીને નથી. તેથી ભિન્ન આત્માની ખ્યાતિ તેને અત્યંત અસ્ત થઈ ગઈ છે. એ કારણે અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય એટલે રાગમય, પુણ્ય-પાપમય હોય છે. પરનું કાર્ય તો અજ્ઞાની કાંઈ કરતો નથી. પરંતુ કર્તા થઈને અજ્ઞાની અજ્ઞાનભાવ એટલે કે પુણ્ય-પાપરૂપ શુભાશુભ રાગ-દ્વેષના ભાવને કરતો હોય છે અને તે ભાવ અજ્ઞાનીનું કાર્ય છે. પરનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જ્ઞાની જ્ઞાનમય ભાવનો કર્તા છે અને અજ્ઞાની અજ્ઞાનનો એટલે રાગદ્વેષાદિ ભાવનો જ કર્તા છે. આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીના ભાવની અત્યંત ભિન્નતા છે.