Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1291 of 4199

 

૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

* ગાથા ૧૨૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીને તો સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.’

જેને રાગ અને વિકલ્પથી પોતાનો ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવ ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું છે તેને જ્ઞાની કહે છે. આવો જ્ઞાની પોતાના જ્ઞાનમય ભાવનો જ કર્તા છે.

જ્ઞાન અને આનંદ એ આત્માનો સ્વભાવ છે. અને પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે તે રાગ છે, વિભાવ છે. આ સ્વભાવ-વિભાવની ભિન્નતાનું સમ્યક્ પ્રકારે જેને જ્ઞાન થાય તે જ્ઞાની છે. તે જ્ઞાની પોતાના જ્ઞાન, શ્રદ્ધાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા-એવા નિર્મળ પરિણામનો કર્તા છે. તેના તે પરિણામ જ્ઞાનમય એટલે વીતરાગતા- મય છે. તેમાં રાગ નથી. ચોથે ગુણસ્થાને સમકિતી રાગથી ભિન્ન એવા પોતાના શુદ્ધ પરિણામનો કર્તા છે.

પ્રશ્નઃ– જ્ઞાનીને યથાપદવી રાગ આવે છે ને?

ઉત્તરઃ– હા, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, પૂજા, વ્રત, દાન ઇત્યાદિનો જ્ઞાનીને યથા-પદવી રાગ આવે છે પણ જ્ઞાનભાવે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનપરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. રાગથી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે એવું ભેદજ્ઞાન પ્રગટ થયું હોવાથી જ્ઞાની જે શુભાશુભ રાગ આવે છે તેનો જ્ઞાતા રહે છે, જાણનાર રહે છે પણ તેનો કર્તા થતો નથી. જે રાગ આવે તેનાં જ્ઞાનીને રુચિ અને સ્વામિત્વ નથી. રાગના સ્વામિત્વપણે નહિ પરિણમતો એવો જ્ઞાની પોતાના શુદ્ધ પરિણામનો જ કર્તા છે. જ્ઞાનીના જ્ઞાનમય જ ભાવ છે, જે રાગ આવે તે કાંઈ જ્ઞાનીનું કર્તવ્ય નથી.

ધર્મી તેને કહીએ કે જેને પોતાના નિર્મળ જ્ઞાન અને આનંદનું ધ્રુવધામ એવા ચિદાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન પ્રગટ થયું છે. અહાહા...! પોતાનું શુદ્ધ ચૈતન્ય ધ્રુવધામ જેને દ્રષ્ટિમાં આવ્યું, અનુભૂતિમાં આવ્યું તે જ્ઞાની છે. આવા જ્ઞાનીનું જ્ઞાન દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડી ગયું છે તેથી જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય જ છે અને તે જ્ઞાનમય પરિણામનો જ્ઞાની કર્તા છે.

ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણમય પવિત્રધામ પ્રભુ પોતે સ્વ છે અને દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે તે પર છે-એવું સ્વપરનું નિર્મળ ભેદજ્ઞાન અજ્ઞાનીને હોતું નથી. સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાનમયભાવનો કર્તા થાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે તેનો અજ્ઞાની કર્તા થાય છે. લ્યો, ૧૨૬ પૂરી થઈ.

* * *