૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ દ્રષ્ટા સ્વભાવનું ભાન થયું છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. (અને તેની પરિણમન-ધારા પણ ક્રમબદ્ધ સમ્યક્ છે).
અજ્ઞાનીને ક્રમબદ્ધનો નિર્ણય કયાં છે? એને તો રાગ-દ્વેષ સાથે એકત્વ થઈને રાગમાં અહમ્પણું પ્રવર્તે છે. અજ્ઞાની પોતાને હું રાગી છું, દ્વેષી છું એમ માને છે; દયા, દાન, પૂજા આદિ રાગનો કર્તા છું એમ તે માને છે. પોતાની ચીજ અંદર ત્રિકાળી નિર્મળાનંદ પ્રભુ છે તેને ન જાણતાં હું રાગી છું, દ્વેષી છું એમ માનતો થકો તે રાગી અને દ્વેષી એટલે રાગ-દ્વેષનો કર્તા થાય છે. જાણે કે હું આત્મા છું જ નહિ એમ અજ્ઞાની રાગમાં અહંપણે પ્રવર્તી રહ્યો છે.
આ અજ્ઞાનમય ભાવના કારણે પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો અજ્ઞાની કર્મોને કરે છે. કર્મોને કરે છે એટલે રાગદ્વેષના ભાવનો કર્તા થાય છે. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. કર્મ એટલે શુભાશુભભાવ રૂપ જે રાગ-દ્વેષના પરિણામ તે રાગ-દ્વેષના પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે. આ તો થોડામાં ઘણા ગંભીર ભાવો ભરી દીધા છે.
હવે જ્ઞાની એટલે ધર્મી જીવ કેવા હોય છે તે વાત કરે છેઃ-
‘જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે.’
ધર્મીને સ્વપરના વિવેક દ્વારા આનંદમૂર્તિ ભગવાન આત્મા અને દુઃખસ્વરૂપ એવો રાગ- એ બેની ભિન્નતાનું સમ્યક્ પ્રકારે જ્ઞાન થયું છે. સમ્યક્ પ્રકારે એટલે કે સ્વરૂપના લક્ષે યથાર્થપણે. અહાહા...! જ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનું ભેદજ્ઞાન પ્રગટ થતાં ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. હું તો આનંદ છું, શાંત છું, વીતરાગસ્વભાવ છું, અકષાયસ્વરૂપ છું-એમ રાગથી ભિન્ન આત્માની જ્ઞાનીને પ્રસિદ્ધિ થઈ છે. ભાષા બહુ ટુંકી પણ ભાવ ખૂબ ગહન ભરી દીધા છે.
ભિન્ન આત્માની ખ્યાતિ ઉદય પામી હોવાથી જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. ધર્મીને જ્ઞાનમય એટલે આત્મામય, વીતરાગમય ભાવ જ હોય છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વભાવી આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. હવે કહે છે-
‘અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક્ પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથગ્ભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.’