૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એકેક સમય કૌસ્તુભ-મણિ કરતાં પણ વધારે કિંમતી છે. અને આ ભેદજ્ઞાન અતિ દુર્લભ વસ્તુ છે. આ અવસરમાં જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો જન્મ-મરણ કરતાં કરતાં મિથ્યા શ્રદ્ધાનના ફળમાં નિગોદમાં ચાલ્યો જઈશ. ફરી અનંતકાળે ત્રસ નહિ થાય. ભાઈ! શુભરાગથી ધર્મ થાય એ મિથ્યા શ્રદ્ધાન છે, અને મિથ્યા શ્રદ્ધાનનું ફળ નિગોદ છે.
અહીં કહે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે જેને ભેદજ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાની રાગ-દ્વેષના કર્તા નથી. જ્ઞાની ચૈતન્યમય, આનંદમય, વીતરાગતામય ભાવના કારણે પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતા થકા કર્મોને કરતા નથી. જ્ઞાની રાગદ્વેષરૂપ કાર્યના કર્તા નથી. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. જડકર્મનો તો અજ્ઞાની પણ કર્તા નથી. જડકર્મની પર્યાય તો જડથી સ્વતંત્ર થાય છે. અહીં તો એમ કહેવું છે કે રાગ-દ્વેષરૂપ ભાવકર્મના જ્ઞાની કર્તા નથી, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે. અભિપ્રાયમાં જ્ઞાની રાગના કર્તા નથી; અજ્ઞાની અભિપ્રાયમાં રાગનો કર્તા થઈને મિથ્યાત્વભાવે પરિણમે છે.
રાગનો કર્તા ન થતાં જ્ઞાતાદ્રષ્ટા રહીને જે રાગને કેવળ જાણે છે તેને ધર્મી અને જ્ઞાની કહેવામાં આવે છે.
‘આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે.’
ક્રોધ અને માન તે દ્વેષના બે ભેદ છે; માયા અને લોભ તે રાગના બે ભેદ છે. આ બધા સામાન્ય શબ્દથી મોહ કહેવાય છે. મોહકર્મની પ્રકૃતિનો ઉદય આવતાં પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. જેવો ઉદય આવે તેવો જ રાગ થાય એમ નહિ. ઉદયના પ્રસંગે રાગદ્વેષ થાય છે એમ અહીં સિદ્ધ કરવું છે. જે પ્રકારે ઉદય આવે તે જ પ્રકારે રાગદ્વેષ થાય એમ છે નહિ. પોતાની યોગ્યતા પ્રમાણે રાગદ્વેષ થાય છે. આ રાગદ્વેષનો સ્વાદ મલિન છે.
‘અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે ‘‘આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું.’’ આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.’
અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી. તેને રાગદ્વેષ અને પોતાના ઉપયોગની ભિન્નતાનું જ્ઞાન નથી, તેથી તે રાગદ્વેષ અને ઉપયોગને એક કરીને એમ માને છે કે આ રાગ-દ્વેષરૂપ જે મલિન ઉપયોગ છે તે જ હું છું. આ પ્રમાણે રાગ-દ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.