સમયસાર ગાથા-૧૨૭ ] [ ૨૩૯
જે રાગદ્વેષ થાય છે તે તેની પોતાની યોગ્યતાથી થાય છે. તે રાગદ્વેષ મારા ભાવ નથી એમ જ્ઞાની જાણે છે.
‘જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે ‘‘જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.’’ આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.’
સમકિતીને સ્વપરનું ભેદજ્ઞાન વર્તે છે. તેને યથાપદવી રાગ આવે છે; પણ તેની દ્રષ્ટિ એક શુદ્ધ જ્ઞાયક ઉપર છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યઉપયોગમય છું. તેથી તે જે રાગ આવે છે તેનો જ્ઞાતા રહે છે પણ કર્તા થતો નથી. ધર્મી જાણે છે કે જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ એ જ મારું સ્વરૂપ છે. રાગ-દ્વેષના ભાવ તો કર્મનો રસ છે, કર્મપુદ્ગલનો વિપાક છે. રાગદ્વેષ તે મારું સ્વરૂપ નથી. આ રીતે રાગદ્વેષમાં એકત્વ નહિ કરતો જ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે. તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
‘ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत्’ અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય ‘पुनः’ અને ‘अन्यः न’ અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય? ‘अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः’ વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને ‘अन्यः न’ અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય?
જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય છે અને અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ હવે ગાથાઓ કહેશે.