સમયસાર ગાથા-૧૩૨-૧૩૬ ] [ ૨પ૯
કહે છે કે જૂનાં કર્મનો ઉદય-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ છે. પરંતુ કોને? જે અજ્ઞાનભાવે, મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે તેને. જ્ઞાનીને પૂર્વકર્મનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ થતો નથી કેમકે તે સ્વામીપણે ઉદયમાં જોડાતા નથી અને તેથી તેને જૂનાં કર્મ છે તે ખરી જાય છે, નવો બંધ થતો નથી. કળશ ટીકામાં પણ કહ્યું છે કે ઉદયમાત્ર બંધનું કારણ નથી. ઉદયમાત્રથી જો બંધ થાય તો કદી મોક્ષ થઈ શકે નહિ.
અહીં એક સમયમાં ત્રણ વાત છે-
૧. દર્શનમોહ આદિ કર્મનો ઉદય, ૨. તે જ સમયે નવાં કર્મનો બંધ, ૩. અને તે જ સમયે અજ્ઞાની જીવ સ્વયં મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણમે છે તે.
અજ્ઞાનીને જુનાં કર્મનો ઉદય છે તે નવા બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે અને જે મિથ્યાત્વના ભાવ ન કરે તેને તે સમયે જૂનાં કર્મનો ઉદય (બંધ કર્યા વિના) ખરી જાય છે. આવી વાત છે અટપટી. હવે કહે છે-
‘આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ - અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.’
જુઓ, પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયકાળે જે નવાં કર્મ બંધાય છે તે સ્વયમેવ પરિણમે છે. નવાં કર્મ પરિણમે તે સ્વતંત્રપણે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તેને પરિણમાવે છે એમ નથી. બધું જ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે.
૧. પૂર્વ કર્મનો ઉદય આવે છે તે સ્વતંત્ર, ૨. ઉદયકાળે નવાં કર્મ બંધાય તે પણ સ્વતંત્ર, અને ૩. જીવ મિથ્યાશ્રદ્ધારૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર.
રાગ મારી ચીજ છે, મારું કર્તવ્ય-કાર્ય છે, એવા મિથ્યાદ્રષ્ટિના (મિથ્યાશ્રદ્ધાનરૂપ) ભાવ નવા કર્મબંધમાં નિમિત્ત થાય ત્યારે જૂનાં કર્મને નવા કર્મબંધનું નિમિત્ત કહેવામાં આવે છે.
ઝીણી વાત છે ભાઈ! જૂનાં કર્મ પણ સ્વતંત્ર, નવો બંધ થાય તે પણ સ્વતંત્ર અને વચ્ચે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનપણે પરિણમે તે પણ સ્વતંત્ર. અહો! સમયસાર ખૂબ ગંભીર ચીજ છે ભાઈ! પંચમઆરામાં આચાર્ય કુંદકુંદદેવે તીર્થંકરતુલ્ય કામ કર્યું છે અને આચાર્ય અમૃતચંદ્રદેવે ગણધરતુલ્ય કામ કર્યું છે. શ્રી કુંદકુંદદેવને નમસ્કાર