Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1321 of 4199

 

૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે-‘‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો આત્મ-સ્વરૂપના અનુસંધાનમાં હેતુભૂત થયાં છે તેથી તમને ભક્તિભાવે નમસ્કાર હો.’’ એ આ વચનો છે.

જુઓ, ઉદય આવ્યો માટે મિથ્યાત્વાદિરૂપ જીવ પરિણમે છે એમ નથી. મિથ્યાત્વાદિના ભાવ પણ જીવ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે નવાં કર્મ પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મનો ઉદય પણ સ્વતંત્ર છે. ઉદયકાળે જો જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કરે તો આવેલો ઉદય છૂટી જાય છે, નવા બંધનમાં હેતુ થતો નથી.

આત્મા શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ છે. અહાહા...! રાગરહિત વીતરાગસ્વભાવી નિર્વિકલ્પસ્વરૂપ નિજ આત્મા છે. આવા આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો જે અનુભવ કરે તે જ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થતો નથી. પરંતુ જૂનાં કર્મના ઉદયમાં જોડાઈને મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ જે જીવ કરે છે તેને જૂનાં કર્મનો ઉદય, નવા કર્મબંધનનું કારણ થાય છે.

ભાઈ! આ વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ બાદશાહનો અલૌકિક માર્ગ છે! અહા! દિગંબર મુનિવરો પણ જાણે ધર્મના (અચલ) સ્થંભ! કોઈની એમને પરવા નહિ. નાગા બાદશાહથી આઘા! અંતરમાં નગ્ન અને બહાર પણ નગ્ન. મોટા બાદશાહની પણ એમને શું પરવા? સ્તવનમાં આવે છે ને કે-‘જંગલ વસાવ્યું રે જોગીએ.’ અહાહા...! જંગલમાં આત્માના અતીન્દ્રિય આનંદની લહેરમાં પડેલા હોય છે. એવી સ્થિતિમાં જરા વિકલ્પ આવ્યો અને આવાં શાસ્ત્ર રચાઈ ગયાં છે. તેની પણ મુનિવરોને શું પડી છે? જંગલમાં સૂકાં તાડપત્રનાં પીંછાં પડયાં હોય તેના પર કઠણ સળીથી શાસ્ત્રો લખી જંગલમાં મૂકી ચાલ્યા જાય છે. ત્યાં વળી કોઈ ગૃહસ્થ તેને ભેગાં કરી સાચવીને મંદિરમાં રાખી દે છે. આ સમયસાર આ રીતે લખાયેલું શાસ્ત્ર છે.

મુનિવરો પ્રમત્ત-અપ્રમત્તભાવમાં ઝૂલતા હોય છે. શાસ્ત્ર લખતાં લખતાં પણ ક્ષણમાં નિર્વિકલ્પ આનંદની દશા આવી જાય છે. વિહાર વખતે ચાલતાં ચાલતાં નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પોણી સેકન્ડની અલ્પ નિદ્રા હોય છે; તરત જાગ્રત થઈ જાય છે અને આનંદમાં લીન થઈ જાય છે. અહો! આવી અદ્ભુત અલૌકિક મુનિદશા હોય છે. પરમેશ્વરપદમાં તેમનું સ્થાન છે. સિદ્ધાંતમાં (શાસ્ત્રમાં) તેમને સર્વજ્ઞના પુત્ર કહ્યા છે. ગૌતમ ગણધર સર્વજ્ઞના પુત્ર છે એમ શાસ્ત્રમાં કથન છે. સર્વજ્ઞપદના વારસદાર છે ને! તેથી ભાવલિંગી મુનિવરો ભગવાન સર્વજ્ઞદેવના પુત્રો છે. સર્વજ્ઞપણું લેવાની અંદર તૈયારી થઈ ગઈ છે. અહા! અંતર- આનંદમાં શું જામી ગયા હોય છે! એ અલૌકિક દશા ધન્ય છે. અહીં કહે છે કે જૂનાં કર્મનો ઉદય આ મુનિવરોને નવાં કર્મબંધનનો હેતુ થતો નથી; પરંતુ ઉદયના નિમિત્તે સ્વયં રાગ-દ્વેષ- મોહભાવે પરિણમતા અજ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય નવા કર્મબંધનનું કારણ થાય છે.