Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1325 of 4199

 

૨૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.

ભાવાર્થઃ– જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં

આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.

* * *
સમયસાર ગાથા ૧૩૭–૧૩૮ઃ મથાળું

જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-

* ગાથા ૧૩૭–૧૩૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બંને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે.’

જુઓ, જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવું પડયું એમ નથી એમ કહે છે. જીવે રાગના પરિણામ પોતામાં સ્વતંત્ર કર્યા છે અને તે સમયે જડ કર્મ જે નવું બંધાય તે પણ સ્વતંત્રપણે થાય છે. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલદ્રવ્યના કર્મરૂપ પરિણામ થાય છે એમ નથી.

પુદ્ગલદ્રવ્ય નવા કર્મરૂપે પરિણમે છે તેમાં જીવના રાગાદિ પરિણામ નિમિત્ત છે. જીવે રાગદ્વેષ કર્યા અને તે કાળે નવાં કર્મનું બંધન થયું ત્યાં જીવના પરિણામ અને પુદ્ગલ કર્મની પર્યાય બંને મળીને તે કર્મનો બંધ થયો છે એમ નથી. અજ્ઞાની રાગદ્વેષના પરિણામ કરે છે તે નવા કર્મબંધમાં નિમિત્ત છે, પરંતુ તે બંને ભેગા મળીને જડ કર્મબંધના પરિણામ થાય છે એમ નથી.

પુદ્ગલદ્રવ્ય અને જીવના રાગાદિ પરિણામ-એ બંને ભેગા મળીને કર્મરૂપ પરિણામ થાય છે એવો વિતર્ક કરવામાં આવે તો તે ખોટો છે. કેમકે જો એમ સ્વીકારવામાં આવે તો જેમ હળદર (પીળી) અને ફટકડી (સફેદ) બંને ભેગા મળીને લાલ રંગ થાય છે તેમ પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ એમ છે નહિ.