સમયસાર ગાથા-૧૪૧ ] [ ૨૭૩
આત્મા કર્મના સંબંધવાળો છે-એવા વ્યવહારનયનો તો નિષેધ કરતા આવ્યા છીએ. અહીં તો એ ઉપરાંત નિશ્ચયનયના પક્ષના નિષેધની વાત કરવી છે. ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ અમૃતનો સાગર-દરિયો છે. એવા આત્માને દ્રવ્યસ્વભાવથી જોઈએ તો એને કર્મના નિમિત્તના સંબંધનો અભાવ છે. શરૂમાં આવો એક નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ ઊઠે છે. અહીં કહે છે કે આવો વિકલ્પ થાય પણ તેથી શું? આવા વિકલ્પની સાથે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા તન્મય નથી, એકરૂપ નથી. પ્રભુ! ‘હું અબદ્ધસ્પૃષ્ટ છું’-એવી અંદર જે સૂક્ષ્મ વૃત્તિ ઊઠે છે તે રાગનો કણ છે અને તે રાગના કણ સાથે ભગવાન આત્મા તન્મય નથી, તદ્રૂપ નથી. તે પણ એક પક્ષ છે. આચાર્ય કહે છે ‘–ततः किं’-તેથી શું? એવા વિકલ્પથી આત્માને શું લાભ છે? એ વિકલ્પથી આત્મપ્રાપ્તિ નથી.
લોકો રાડ પાડે છે કે વ્યવહાર કરતાં-કરતાં નિશ્ચય થાય. અહીં કહે છે-ભગવાન! એમ નથી. પ્રભુ! તને દુઃખ લાગે, પણ વસ્તુ એમ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ કર્મના સંબંધ વિનાનો, નિમિત્તના સંબંધ વિનાનો, એક સમયની પર્યાયના સંબંધ વિનાનો એકલો શુદ્ધ જ્ઞાયકભાવ છે-એમ પ્રથમ અંદર વૃત્તિ ઊઠે છે, વિકલ્પ ઊઠે છે. પણ તેથી શું? એમ અહીં કહે છે. આવા સૂક્ષ્મ વિકલ્પ સુધી તું આવ્યો પણ એમાં (વિકલ્પમાં) સમ્યગ્દર્શન કયાં છે? આ અબદ્ધસ્પૃષ્ટનો જે પક્ષ છે તે તો રાગ છે, કષાયનો કણ છે, દુઃખરૂપ ભાવ છે. અને વળી તે કષાયકણને પોતાનું કર્તવ્ય માને, એનાથી નિશ્ચય થાય એમ માને એ મિથ્યાદર્શન છે. વીતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે, ભાઈ!
વ્યવહારના પક્ષની વાત તો કયાંય ઊડી ગઈ. આત્મા પર્યાયથી જોતાં બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ તો નિષિદ્ધ છે જ. અહીં તો એમ કહે છે કે વિચારધારામાં આત્મા અખંડ આનંદઘન પ્રભુ અબદ્ધસ્પૃષ્ટ વસ્તુ છે-એવા વિચારની જે વૃત્તિ ઊઠે છે તે પણ નિષિદ્ધ છે કેમકે તે નિશ્ચયના પક્ષરૂપ રાગ છે. આચાર્યદેવ કહે છે કે એવા વિકલ્પથી પણ આત્માને શું લાભ છે? એ વિકલ્પ સાથે ચૈતન્યસ્વભાવ તન્મય નથી. જ્યાં સુધી આવા વિકલ્પમાં રોકાઈને તે પોતાનું કર્તવ્ય છે એમ જીવ માને ત્યાં સુધી મિથ્યાદર્શન છે.
સમયસારની ગાથા ૧૪ અને ૧પમાં અબદ્ધસ્પૃષ્ટની વાત કરી છે. ત્યાં વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ચીજની વાત છે. જે ભગવાન આત્માને અબદ્ધસ્પૃષ્ટ એટલે રાગ અને કર્મના સંબંધથી રહિત એકલો અબંધસ્વરૂપ અંતરમાં દેખે છે તે જૈનશાસન છે એમ ત્યાં કહ્યું છે. એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે અને અહીં તો અબદ્ધસ્પૃષ્ટના વિકલ્પમાં જે ઊભો છે એની વાત છે.
ભાઈ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવી તે આ વાત છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ભગવાને જે વાત કરી તે અહીં ભગવાન કુંદકુંદાચાર્યે કરી છે.