Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1335 of 4199

 

૨૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ૮૪ લાખ યોનિમાં ઉત્પન્ન થવું એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો તો જન્મ-મરણ રહિત અબંધસ્વભાવ છે. અહીં કહે છે-આવો હું અબંધસ્વરૂપ આત્મા છું એવો જે વિકલ્પ ઉપજે છે તે રાગ છે, નિશ્ચયનો પક્ષ છે. પણ તેથી શું? એનાથી આત્માને કાંઈ લાભ નથી.

રાજા થયા પહેલાં, રાજા થવું છે, મારે ગાદીએ બેસવું છે એવો વિકલ્પ આવે છે. પરંતુ વિકલ્પ છે ત્યારે તે રાજા કયાં છે? અને રાજા થયો ત્યારે તે વિકલ્પ કયાં છે? તેમ હું કર્મના નિમિત્તના સંબંધરહિત અબદ્ધસ્પૃષ્ટસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છું એવા સૂક્ષ્મ વિકલ્પથી ભાઈ! તું આંગણામાં આવીને ઊભો છે પણ તેથી શું? એ વિકલ્પ છે ત્યાં સુધી અંદર ઘરમાં પ્રવેશ નથી, વસ્તુનો નિર્વિકલ્પ અનુભવ નથી કેમકે વિકલ્પ સાથે ભગવાન આત્મા તન્મય નથી. ભગવાનનો આવો માર્ગ છે, ભાઈ!

પ્રશ્નઃ– આ પ્રમાણે શું આપ બધો વ્યવહાર નથી ઉથાપતા?

ઉત્તરઃ– અરે ભાઈ! વ્યવહાર છે એની કોણ ના કહે છે? અહીં તો વાત એમ છે કે આત્માનું સ્વરૂપ વ્યવહારથી રહિત છે, અને વ્યવહારનું લક્ષ છોડીને, પક્ષના વિકલ્પ છોડીને અંતર-અનુભવ કરતાં સમ્યગ્દર્શન છે એ વાત છે. સમજાય છે કાંઈ?

દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારના રાગસહિત હું છું એવો વ્યવહારનયનો-અભૂતાર્થનયનો એક પક્ષ છે. અને રાગના સંબંધરહિત હું અબદ્ધસ્પૃષ્ટ છું એવો એક ભૂતાર્થનયનો પક્ષ છે. શુદ્ધનય કહો, નિશ્ચયનય કહો કે ભૂતાર્થનય કહો-બધી એક જ વાત છે. અહાહા...! હું અબદ્ધસ્પૃષ્ટ છું એ પણ નિશ્ચયનયનો પક્ષ નામ વિકલ્પ છે. આવા વિકલ્પની જે સૂક્ષ્મ વૃત્તિ ઊઠે છે તે બંધનું કારણ છે. આચાર્ય કહે છે કે ભાઈ! તું આટલે સુધી આવ્યો પણ તેથી શું સિદ્ધિ છે? એમાં ભગવાન આત્માનો ભેટો તો થયો નહિ. અહાહા...! જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. આ એકલું માખણ છે.

આત્મા અંદર અબદ્ધસ્પૃષ્ટ છે એ તો સત્ય છે, એ કાંઈ બીજી ચીજ નથી. પણ તે સંબંધીનો જે પક્ષ-વિકલ્પ છે તે ખોટો છે એમ અહીં કહેવું છે. નિશ્ચયનયનો પક્ષ પણ અહીં છોડાવે છે કેમકે વિકલ્પ મટતાં આત્મલાભ છે. નયપક્ષોને ઓળંગી જાય તે સમયસાર છે.

[પ્રવચનનં. ૧૯૦ * દિનાંક ૩-૧૦-૭૬]