Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1352 of 4199

 

સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૧ જ્યોતિસ્વરૂપ આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો છે તેને પર્યાયમાં જે રાગાદિ દોષ હોય તેનો તે જાણનાર છે, કર્તા નથી.

જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે એમ નિર્જરા અધિકારમાં આવે છે. તેનો અર્થ એમ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માનો જેને અનુભવ થયો છે તેને રાગાદિભાવ જે આવે તે ખરવા માટે છે. જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ છે એમ કહ્યું છે ત્યાં આશય એમ છે કે જ્ઞાની જે વિકલ્પ આવે તેનું જ્ઞાન કરે છે. જે વિકલ્પ છે તેનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાની તે જ્ઞાનના કર્તા છે, પણ વિકલ્પના કર્તા નથી. જે પ્રકારનો વિકલ્પ હોય તે જ પ્રકારની જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે.

પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે-આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે, અધ્યાત્મ-પદ્ધતિનો વ્યવહાર કઠણ છે. શુદ્ધ પરિણતિ પ્રગટ કરવી તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે. વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષને ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. હું અબદ્ધસ્પૃષ્ટ છું-એવો નયપક્ષ પણ રાગ છે. તેથી સમસ્ત નયપક્ષ છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.

* * *

હવે ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે?’ એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ-

નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? મતલબ કે આત્મા વસ્તુ- દ્રષ્ટિથી અબદ્ધ છે અને પર્યાયની અપેક્ષાએ બદ્ધ છે. આ બંને નયપક્ષ છે; તેથી બંને પક્ષોને છોડી દઈ, પોતાના સ્વભાવની નિર્વિકલ્પ દ્રષ્ટિ કરીને અનુભવ કરવો તે નયપક્ષના ત્યાગની ભાવના છે.

આ આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય છે. તે પર્યાયમાં જે રાગ છે તેની સાથે તન્મય નથી. નિશ્ચયથી જ્ઞાનસ્વભાવ આત્મદ્રવ્ય સાથે તન્મય છે. સ્વભાવ સ્વભાવવાન સાથે તન્મય છે. આત્મા ચૈતન્યસૂર્ય છે. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ પ્રાણી ગમે તે ક્રિયાકાંડ કરતો હોય તેમાં સૂર્યના પ્રકાશને શું? એનાથી તેને લાભેય નથી અને એનાથી તેને ડાઘેય નથી. (કાંઈ સંબંધ નથી). તેમ એક સમયની પર્યાયને ગૌણ કરીને જોતાં આત્મા અનાદિઅનંત નિત્યાનંદ- સ્વરૂપ પ્રભુ ચૈતન્યજ્યોતિમય છે. તેને દયા, દાન, વ્રતાદિના રાગપરિણામ સાથે તો સંબંધ નથી, પણ હું આવો છું, આવો નથી-ઇત્યાદિ નયપક્ષના વિકલ્પ (-રાગ) સાથે પણ કાંઈ સંબંધ નથી. તેથી વિકલ્પરહિત થઈને જે આત્માને અનુભવે છે તે સમકિતી છે. તેને નયપક્ષના ત્યાગની ભાવના છે.