૨૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
આચાર્ય કહે છે કે નયપક્ષના ત્યાગની ભાવનાને કોણ ન નચાવે? આમ કહીને હવે તે સંબંધી ૨૩ કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘ये एव’ જેઓ ‘नयपक्षपातं मुक्त्वा’ નયપક્ષપાતને છોડી-એટલે કે હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, અબદ્ધ છું-ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તેનો ત્યાગ કરી ‘स्वरूपगुप्ताः’ સ્વરૂપમાં ગુપ્ત થઈ ‘नित्यम’ સદા ‘निवसन्ति’ રહે છે ‘ते एव’ તેઓ જ ‘विकल्पजालच्युतशान्तचित्ताः’ જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, ‘साक्षात् अमृतं पिबन्ति’ સાક્ષાત્ અમૃતને પીએ છે.
જુઓ, હું એક છું, અબદ્ધ છું ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તે નયપક્ષનો વિકલ્પ છે. તેનો જે ત્યાગ કરે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત થઈને રહે છે. જુઓ, આ ત્યાગ. બાહ્ય ચીજનાં ગ્રહણ- ત્યાગ તો સ્વરૂપમાં છે નહિ. અહીં તો એક સમયની અવસ્થામાં જે નયપક્ષના વિકલ્પ ઊઠે છે તેના ત્યાગની ભાવનાની વાત છે.
બાપુ! જેના ફળરૂપે સ્વરૂપનો સ્વાદ-એકલા અમૃતનો અનુભવ થાય તે ચીજ કોઈ અલૌકિક છે! તે બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. નિમિત્તાધીનદ્રષ્ટિવાળાને વાત આકરી લાગે પણ માર્ગ તો આ જ પરમ સત્ય છે. નિમિત્ત નિમિત્ત તરીકે છે. (નિમિત્તની કોણ ના પાડે છે?) પણ ઉપાદાનની અપેક્ષાએ, સ્વની અપેક્ષાએ તે અસત્ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાન વિના દયા, દાન, વ્રત, તપના રાગ વડે ધર્મ માને પણ એ બધું સંસાર ખાતે છે, ભાઈ! અહીં કહે છે-હું બદ્ધ છું, હું અબદ્ધ છું-એવા નયપક્ષોને જે સમસ્ત ત્યાગે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત રહે છે. અહા! ભગવાન આત્મા બદ્ધ-અબદ્ધના વિકલ્પથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી તો દયા, દાન ઇત્યાદિના વિકલ્પથી તે કેમ પ્રાપ્ત થાય? માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ! પણ પ્રથમ સાચો નિર્ણય તો કરવો પડશે ને?
જુઓ, કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. પ્રત્યેક જીવ એક શ્વાસમાં ૧૮ ભવ કરે છે. એક શ્વાસમાં ૧૮ વખત જન્મ- મરણ કરનાર નિગોદના જીવના દુઃખની શી વાત! એ તો અકથ્ય છે. એવા અકથ્ય દુઃખથી છૂટવાના ઉપાયની આ વાત છે. પર્યાયમાં દુઃખ છે અને સ્વરૂપ દુઃખ-મુક્ત છે-એ બન્ને નયપક્ષ છે, વિકલ્પ છે અને એ બન્ને વિકલ્પનો જાણનાર આત્મા છે. સ્વદ્રવ્યની દ્રષ્ટિમાં જતાં બંને વિકલ્પ છૂટી જાયછે. ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ થતાં વિકલ્પ છૂટી જાય છે તો તેને છોડે છે, ત્યાગે છે એમ કહેવામાં આવે છે.
આનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેને, જેમ ઘાણીમાં તલ પીલાય તેમ, રાગથી પીલી નાખ્યો છે. જડકર્મે તેને પીલ્યો છે એમ નથી. આ વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ છે તેને તેં વિકલ્પના પક્ષમાં રગદોળી નાખ્યો છે.