૩૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
અહીં બન્ને પક્ષની વાત સાથે લીધી છે. એમાં રાગથી ભિન્ન હું સૂક્ષ્મ છું એવો નિશ્ચયનયના પક્ષનો જે વિકલ્પ ઉઠે છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે કેમકે તે રાગ છે. આ પ્રથમ ભૂમિકાની-સમ્યગ્દર્શનની વાત ચાલે છે. અહીં કહે છે કે દયા, દાન, વ્રત આદિ રાગના સ્થૂળ વિકલ્પો સાથે જે તન્મય-એકમેક નથી એવો ચૈતન્યજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા સૂક્ષ્મ છે. પણ હું સૂક્ષ્મ છું એવા નયપક્ષના વિકલ્પમાં રોકાવું તે રાગ છે. એ નયપક્ષના સૂક્ષ્મ વિકલ્પ સાથે આત્મા તદ્રૂપ નથી. ભાઈ! હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ સૂક્ષ્મ વિકલ્પથી પણ આત્મા જણાય એમ નથી તો પછી વ્યવહારનો સ્થૂળ રાગ કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કયાં રહી? એ તો બહુ સ્થૂળ, વિપરીત વાત છે, (અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ તો કયાંય દૂર રહી ગયાં.)
જગતને આકરો લાગે પણ અનંત તીર્થંકરો, અનંત સર્વજ્ઞો અને અનંત સંતોએ જાહેર કરેલો આ માર્ગ છે. કોઈને લાગે કે અમારો માનેલો અને અમને ગોઠેલો માર્ગ ઉથાપે છે તો તેને કહીએ છીએ કે-પ્રભુ! ક્ષમા કરજે; પણ માર્ગ તો આ જ છે, ભાઈ! હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પમાં રોકાવાથી પણ નુકશાન છે કેમકે એવા વિકલ્પથી આત્મા વેદનમાં આવી શકતો નથી. તો પછી દયા, દાન, વ્રત, ભક્તિના સ્થૂળ વિકલ્પથી આત્મા જણાય એ કેમ બની શકે? વિકલ્પ છે એ તો કલંક છે અને વસ્તુ છે તે નિરંજન નિષ્કલંક છે. કલંકથી નિષ્કલંક વસ્તુ પમાય એવી માન્યતા તો મહાવિપરીતતા છે. ભાઈ! બીજી રીતે માન્યું હોય એટલે દુઃખ થાય, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. (માન્યતા બદલે તો સુખ થાય એમ છે).
આ તો હજુ પ્રથમ ભૂમિકાની સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ચારિત્ર તો મહા અલૌકિક વસ્તુ છે. આત્મા સ્વપરપ્રકાશકસ્વભાવના સામર્થ્યરૂપ ચૈતન્યતત્ત્વ છે. પરને પોતાના માને એવો તેનો સ્વભાવ નથી. અહાહા...! એકલી ચિત્સ્વરૂપ વસ્તુમાં સૂક્ષ્મ છું અને સૂક્ષ્મ નથી એવા નયપક્ષના વિકલ્પોને અવકાશ જ કયાં છે? આવા ચિત્સ્વરૂપ આત્માને વિકલ્પરહિત થઈને અનુભવવો તે સમ્યગ્દર્શન છે. અહીં કહે છે-
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આવા નયપક્ષ છે તે વિકલ્પ છે અને બન્ને પ્રકારના વિકલ્પ નિષેધવા યોગ્ય છે કેમકે વિકલ્પમાં રોકાતાં આત્માનુભવ થતો નથી.
શરીર, મન, વાણી, વિકલ્પ એ બધું જાણનારમાં જણાય છે, પણ જાણનાર બીજી ચીજ સાથે એકમેક નથી. અહીં કહે છે કે જે જાણનાર છે તે ચિત્સ્વરૂપ ભગવાન આત્માને જો. રાગના વિકલ્પને તું જુએ છે પણ રાગ તો અંધકાર છે. રાગને જોતાં આત્મા નહિ જણાય. માટે જાણનારને જાણ. જે તત્ત્વવેદી છે તે વિકલ્પરહિત થઈને પોતાના સ્વરૂપને-જ્ઞાયકને જ અનુભવે છે. એ જ કહે છે-