સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦પ
આ તારા આત્માની સ્વદયાની વાત છે. જીવ જેવો (ચિત્સ્વરૂપ) છે તેવો વિકલ્પ રહિત થઈને અનુભવવો તે સ્વદયા છે. જીવને દયા, દાનના રાગવાળો માનવો, વા નયપક્ષના વિકલ્પોમાં ગુંચવી દેવો તે જીવતી જ્યોત્-ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્માનો અનાદર છે, ઘાત છે. રાગથી લાભ માનનાર પોતાની હિંસાનો કરનારો છે. નિજ ચૈતન્યસ્વરૂપનો અનાદર કરવો તે સ્વહિંસા છે, અદયા છે.
પ્રભુ! તેં અનંત ભવમાં અનંત જન્મમરણ કર્યાં. તારું મરણ થતાં તારી માતાના આંખમાંથી જે આંસુ ટપકયાં તે બધાં આંસુ ભેગા કરીએ તો દરિયાના દરિયા ભરાય. આટલાં જન્મ-મરણ કર્યાં છે તેં! એના અતિ ઘોર દુઃખની શી વાત! (ચાર ગતિનાં) આવાં તીવ્ર દુઃખથી છૂટવાનો ઉપાય આ જ છે. નયપક્ષના વિકલ્પને છોડીને અંતર્લીન થઈ ચિત્સ્વરૂપ જીવને (પોતાને) ચિત્સ્વરૂપે અનુભવવો તે જન્મ-મરણના અંતનો ઉપાય છે. જે તત્ત્વવેદી છે તે પણ નિરંતર પોતાને ચિત્સ્વરૂપ જ અનુભવે છે.
‘सूक्ष्मः’ જીવ સૂક્ષ્મ છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ રાગાદિથી ભિન્ન ચૈતન્યપિંડ પ્રભુ સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. નિશ્ચયથી દયા, દાન, વ્રતના જે વિકલ્પ ઊઠે તેની સાથે જીવ એકરૂપ નથી. આવો જીવ સૂક્ષ્મ છે. જીવ સૂક્ષ્મ છે એ તો સાચું જ છે પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે અને તે છોડવા યોગ્ય છે.
શરીર સાથે આત્મા એકપિંડરૂપ નથી. નિમિત્તના સંબંધથી શરીર સાથે એકરૂપ છે એમ વ્યવહારથી ભલે કહેવાય, પણ વસ્તુ તરીકે શરીર સાથે આત્મા એક નથી. જો શરીર સાથે આત્મા એક થઈ જાય તો જેમ આત્મા વસ્તુ નિત્ય છે તેમ શરીર પણ નિત્ય થઈ જાય, શરીરનો પણ નાશ ન થાય. પણ એમ છે નહિ. તેવી રીતે આત્મા લોકાલોક સાથે એકમેક હોય તો જેમ લોકાલોક દેખાય છે તેમ આત્મા પણ દેખાવો જોઈએ. પણ એમ છે નહિ. તેથી આત્મા શરીરથી, રાગથી, લોકાલોકથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ ભગવાન સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આ પક્ષ છે તે રાગ છે તેથી તેને છોડવાની અહીં વાત છે.
ચૈતન્યરત્ન પ્રભુ આત્મા, શરીર, મન, વાણી, ઇન્દ્રિય કે રાગ સાથે તન્મય નથી એવો સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. હવે કહે છે-
‘न तथा’ જીવ સૂક્ષ્મ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ રાગવાળો, કર્મવાળો છે માટે સ્થૂળ છે, સૂક્ષ્મ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો પ્રથમથી જ આચાર્યદેવ નિષેધ કરતા આવ્યા છે.