૩૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
જ્ઞાનીઓને, અજ્ઞાનપણે વર્તતા જીવોને જોઈ કરુણા આવે છે, તિરસ્કાર નહિ. હવે કહે છે- ‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. જે સમકિતી ધર્મી જીવ છે તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો ચિત્સ્વરૂપે જ અનુભવાય છે.
‘जीवः’ જીવ જીવ છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન ત્રિકાળ સ્વરૂપથી છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આવો જે પક્ષ છે તે વિકલ્પ છે. શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન સ્વરૂપથી છે એ તો સત્યાર્થ છે, પણ એવો વિકલ્પ જે ઊઠે છે તે નિશ્ચયનો પક્ષ છે અને તે રાગ છે, દુઃખ છે.
‘न तथा’ જીવ જીવ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. પરની અપેક્ષાએ જીવ નથી, સ્વની અપેક્ષાએ છે, પણ પરની અપેક્ષાએ જીવ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. એ પણ વિકલ્પ છે, રાગ છે.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વભાવરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બંને વિકલ્પ છે તે પર્યાયમાં ભૂલ છે કેમકે સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. હવે કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
હું જીવ છું, જીવ છું, એમ વિકલ્પ કરવાથી કાંઈ નિજરસ વેદાતો નથી, પણ પક્ષપાત રહિત થઈને અંતર્લીનતાના બળે જે તત્ત્વવેદી છે તે નિરંતર ચૈતન્યરસને અનુભવે છે. ધર્મી જીવને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર વેદનમાં આવે છે.
આવી વાત કઠણ પડે એટલે મંડી પડે વ્રત, તપ આદિ બાહ્ય વ્યવહારમાં અને માને કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે, પુણ્યના બળે ભવિષ્યમાં કર્મક્ષય થશે; પણ એ તારી માન્યતા મિથ્યા છે, ભાઈ! પરમાત્મપ્રકાશમાં ‘पुण्णेण होइ विहवो...’ ઇત્યાદિ ગાથા ૬૦ માં કહ્યું છે કે-પુણ્યથી વૈભવ મળે છે, વૈભવથી અભિમાન-ગર્વ થાય છે, જ્ઞાન આદિ આઠ પ્રકારના મદથી બુદ્ધિભ્રમ-વિવેકમૂઢતા થાય છે. તેથી અમને આવું પુણ્ય ન હો. કયાં આચાર્ય યોગીન્દ્રદેવનું કથન અને કયાં તારી માન્યતા?