સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦૩ તેનો જીવ ભોક્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વર્તમાન પર્યાયને જોનારનો આ વિકલ્પ છે કે જીવ ભોક્તા છે. આ વ્યવહારનો નિષેધ તો પહેલેથી જ કરાવતા આવ્યા છીએ. હવે કહે છે-
રાગનો ભોક્તા નથી, આનંદનો ભોક્તા છે-આવો જે વિકલ્પ છે તે નિશ્ચયનયનો પક્ષ છે. એ વિકલ્પ દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અભોક્તા છે એ તો સત્ય છે, પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે, દુઃખરૂપ છે. એ વિકલ્પ એક સમયની પર્યાયમાં ભૂલ છે.
પક્ષપાત છે. હું રાગનો ભોક્તા છું અને ભોક્તા નથી એ બંને પક્ષ વિકલ્પ છે, દુઃખ છે.
નિર્મળાનંદનો નાથ, નિત્યાનંદ, સહજાનંદસ્વરૂપ અખંડ અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં હું ભોક્તા છું અને ભોક્તા નથી એવા વિકલ્પોનો અભાવ છે. હું રાગનો ભોક્તા નથી એવો વિકલ્પ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. આવો ભગવાન આત્મા છે.
આવી સત્ય વાત સાંભળીને કોઈને તે ન બેસે તો તેને દુઃખ થાય; પણ શું કરીએ? તને દુઃખ થાય તો પ્રભુ! માફ કરજે. ભાઈ! તું ભગવાન છો. કોઈ વાતનું સત્ય વાતનું નિરૂપણ કરતાં તને દુઃખ લાગે ત્યાં તને દુઃખ થાય એવો અમારો ભાવ નથી. અહીં તો વસ્તુના સ્વરૂપનું સત્ય નિરૂપણ જ કરીએ છીએ. ભગવાન! આ તો હિતની જ વાત છે.
આત્મા રાગનો કર્તા છે એવો વિકલ્પ તને શોભતો નથી એ તો ઠીક. અહીં કહે છે કે આત્મા રાગનો ભોક્તા છે અને ભોક્તા નથી એવા વિકલ્પ પણ તને શોભતા નથી. એ વિકલ્પ તારો શણગાર નથી. તું તો નિર્વિકલ્પ છો ને પ્રભુ! વિકલ્પની દશા એ તારી દશા નહિ. શ્રીમદે કહ્યું છે ને કે-
‘કર વિચાર તો પામ’ એમ કહ્યું છે. વિચારનો અર્થ જ્ઞાન થાય છે. મતલબ કે જ્ઞાન કરે તો પામીશ. રાગ કરે તો પામીશ એમ ત્યાં કહ્યું નથી. આત્મસિદ્ધિમાં બહુ ઊંચી તત્ત્વની વાત છે. સંપ્રદાયવાળાને બેસવું કઠણ પડે છે કેમકે સંપ્રદાયમાં જન્મે ત્યાં સાચું માનીને અટકી જાય છે. પરંતુ ભાઈ! સત્યને તું ન માને તો દુઃખી થઈશ. વિપરીત માન્યતા વડે જીવ વર્તમાનમાં દુઃખી છે અને ભવિષ્યમાં પણ દુઃખી થશે. આ કોઈના અનાદરની-તિરસ્કારની વાત નથી; એકલી કરુણાનો ભાવ છે. શ્રીમદે કહ્યું છે ને કે-