૩૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
પક્ષપાત છે. ભગવાન આત્મા તો ત્રિકાળ એકસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકસ્વરૂપ, ચિત્સ્વરૂપ છે. એમાં કર્તા અને અકર્તાના વિકલ્પોનો સદંતર અભાવ છે. આવા ચિત્સ્વરૂપ નિજ તત્ત્વને જાણવું અને વેદવું તેનું નામ ધર્મ છે, સુખ છે. આ સિવાય કોઈ બાહ્ય ક્રિયાના લક્ષે શુભભાવ કરે અને એના ફળમાં સ્વર્ગાદિ મળે તોપણ બધો કલેશ છે.
આ બધા કરોડપતિ અને અબજોપતિ છે તે દુઃખી છે. પૈસા તરફ જે લક્ષ છે તે રાગ છે અને તે કલેશ છે, દુઃખ છે. પુણ્યના ફળમાં કદાચિત્ જીવ સ્વર્ગમાં દેવ થાય તો ત્યાં પણ કલેશનું વેદન છે. ભગવાન આત્મા ચૈતન્યદેવ છે, એનો અનુભવ કર્યા વિના સ્વર્ગના દેવો પણ રાગના કલેશને જ ભોગવે છે. આ વસ્તુસ્વરૂપ છે.
ભાઈ! બહારની વાતોમાં કાંઈ સાર નથી, બાપુ! લોકો ભલે બહારની ક્રિયાથી, વ્યવહારના વિકલ્પોથી રાજી થાય, પરંતુ એથી ભવનો અંત નહિ આવે ભાઈ! સમકિતીમાં જ ભવનો અંત કરવાની તાકાત પ્રગટે છે.
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
અહાહા...! કર્તા છું એ પણ નહિ અને અકર્તા છું એ પણ નહિ-એમ બંને નયોના પક્ષપાતથી રહિત થઈને તત્ત્વવેદી ધર્મી જીવ નિરંતર પોતાના ચૈતન્યસ્વરૂપને અનુભવે છે. લ્યો, એકલું માખણ છે. લોક ખુશી થાય એવી વાત નથી પણ પોતાનો આત્મા આનંદિત થાય એવી વાત છે.
આવી વાત બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? અમારે તો બધા આત્મા આત્મા તરીકે સાધર્મી છે. પર્યાયમાં કોઈની કોઈ ભૂલ હોય પણ તેથી કોઈ પ્રત્યે દ્વેષ કરવો તે માર્ગ નથી. કોઈ પ્રાણી પ્રત્યે વેર-વિરોધ ન હોય. બધા આત્મા પ્રતિ મૈત્રીભાવ હોય. ‘सत्त्वेषु मैत्री’ની જ ભાવના હોય. આત્મા દ્રવ્યસ્વભાવે ત્રિકાળ શુદ્ધ છે. નિજ સ્વભાવના આશ્રયે જેણે પોતાની ભૂલને કાઢી નાખી તે બીજાની ભૂલને શું કામ જુએ? અહીં તો બધા આત્માને પ્રભુ કહીએ છીએ.
વ્યવહારનો પક્ષ હો કે નિશ્ચયનો પક્ષ હો; બન્ને વિકલ્પ છે, ઉદયભાવ છે, સંસારભાવ છે. આત્મા એનાથી ભિન્ન ચીજ છે. તત્ત્વવેદી ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને નિરંતર પોતાના ચૈતન્યસ્વરૂપને ચૈતન્યરૂપે જ અનુભવે છે. અહા! આવો સરસ અધિકાર આવ્યો છે!
‘भोक्ता’ જીવ ભોક્તા છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જે વિકલ્પ ઊઠે