Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1362 of 4199

 

* કળશ ૭૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘दुष्टः’ જીવ દ્વેષી છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. અજ્ઞાની કહે છે કે જીવ

દ્વેષવાળો છે, પર્યાયથી જીવ દ્વેષી છે. આવો વ્યવહારનયનો એક પક્ષ છે.

‘न तथा’ જીવ દ્વેષી નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ અદ્વેષી છે એવો

જે વિકલ્પ તે નિશ્ચયનયનો પક્ષ છે. હું અદ્વેષી છું એવો જે વિકલ્પ-વૃત્તિ ઊઠે તે રાગ છે, દુઃખરૂપ છે, બંધનું કારણ છે.

‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે

પક્ષપાત છે. આ બન્ને પક્ષને છોડી દઈને જે પક્ષપાતરહિત થાય તે જ્ઞાની છે.

‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’

નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.

જે સમકિતી છે તેને હું દ્વેષી છું કે દ્વેષી નથી એવા નયપક્ષના વિકલ્પ છૂટી જાય છે; એ તો નિરંતર પોતાના શુદ્ધ ચિત્સ્વરૂપ દ્રવ્યને ચિત્સ્વરૂપ જ અનુભવે છે. ભાઈ! આ જ અનાદિનો માર્ગ છે. અનંત તીર્થંકરો થયા એમણે આ જ વાત કહી છે. વર્તમાનમાં ધર્મપિતા શ્રી સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજે છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ૐધ્વનિ દ્વારા તેઓ આ જ વાત કહે છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહમાં ગયા હતા. ત્યાંથી જે વાત તે લાવ્યા તે આ વાત છે. આ પરમ સત્ય વાત છે.

* * *
* કળશઃ ૭૪ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कर्ता’ જીવ કર્તા છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ રાગનો-વ્યવહારનો કર્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. શુભરાગનો જે વિકલ્પ ઊઠે છે તેનો હુ કર્તા છું એમ વ્યવહારનયના પક્ષવાળો કહે છે.

‘न तथा’ જીવ કર્તા નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. નિશ્ચયના પક્ષમાં ઊભો છે તે કહે છે કે જીવ કર્તા નથી. જીવ રાગનો કર્તા નથી એ વાત તો યથાર્થ છે પણ આવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે, રાગ છે, બંધનું કારણ છે.

ભગવાન આત્મા પર દ્રવ્યનો તો કર્તા છે જ નહિ. પણ દયા, દાનના જે વિકલ્પો થાય તેનો જીવ કર્તા છે એમ માને તેને વ્યવહારનો પક્ષ છે, અજ્ઞાનભાવ છે. ત્યારે વળી બીજો એમ પક્ષ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સ્વભાવભાવરૂપ વસ્તુ છે, તે રાગનો કર્તા નથી, તો એ પણ વિકલ્પ છે, રાગ છે. જીવ અકર્તા છે એ તો સત્ય છે, પણ એવો વિકલ્પ છે એ રાગ છે.