૩૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કહે છે. હું કોઈનું કારણ નથી એવા વિકલ્પરૂપ આંગણાને છોડીને ચિત્સ્વરૂપ ઘરમાં પ્રવેશી જા, એને વેદ એમ આચાર્યદેવ કહે છે કેમકે આનું જ નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
કુંભારથી ઘડો થાય છે એ વાતનો તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ પણ અહીં તો માટીથી ઘડો થાય છે એવો જે પક્ષ-વિકલ્પ છે એનો પણ નિષેધ કરીએ છીએ. ભાઈ! આ તારા હિતની વાત છે. તેનો તું યથાર્થ-સમ્યક્ નિર્ણય કર. જો-
૧. જીવ પરનું કારણ છે એ વાતનો તો પ્રથમથી જ નિષેધ કરવામાં આવ્યો છે, ૨. જીવ કારણ નથી એવો જે વિકલ્પ છે તેનો પણ અહીં નિષેધ કરવામાં આવે છે. માટે,
૩. નયોના પક્ષપાતને છોડી, વિકલ્પનું લક્ષ છોડી એક ચિત્સ્વરૂપ આત્મા છે તેનું લક્ષ કરી આત્માનુભવ પ્રગટ કર. એ જ સમ્યગ્દર્શન અને ધર્મ છે. તત્ત્વવેદી જીવો પણ શુદ્ધ આત્માનો જ નિરંતર અનુભવ કરે છે. એ જ કહ્યું છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવો નયોના પક્ષપાતથી હઠીને ચૈતન્યસ્વરૂપ પોતાને જેવો છે તેવો જ અનુભવે છે. આ તો સર્વજ્ઞનો માલ સંતો આડતિયા થઈને જાહેર કરે છે. તેનાં રુચિ અને પોષાણ કર.
‘कार्यं’ જીવ કાર્ય છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એનાથી આત્મા પ્રાપ્ત થાય એવો વ્યવહારનયનો એક પક્ષ છે. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહારનયનો પક્ષ છે એનો તો પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અહીં હવે એનાથી આગળ વાત લઈ જાય છે.
‘न तथा’ જીવ કાર્ય નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ ચૈતન્યસ્વભાવમય સ્વયંસિદ્ધ અકૃત્રિમ વસ્તુ છે; રાગનું તે કાર્ય નથી એવો નિશ્ચયનયનો પક્ષ છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા રાગનું કાર્ય નથી એવો જે નિશ્ચયનો પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે, તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી.
૧. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહારનયનો પક્ષ છે તેનો તો પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છે, અને
૨. જીવ રાગનું કાર્ય નથી એવો જે વિકલ્પ છે તે નિશ્ચયનયનો પક્ષ છે તે પણ નિષિદ્ધ છે.