સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦૯
બન્ને નયપક્ષ છે ને! એ જ કહે છે-
પક્ષપાત છે. ભગવાન આત્મા તો ચિત્સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. તેમાં હું આવો છું અને આવો નથી એવા વિકલ્પોનો અવકાશ કયાં છે? જ્ઞાનસ્વરૂપ આત્મા તો વિકલ્પના કાળે પણ વિકલ્પનો જાણનાર છે. વિકલ્પ સાથે આત્મા એકમેક-તદ્રૂપ નથી. વિકલ્પને છોડી વિકલ્પનો જાણનાર છે તેને તું જો ને! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં તું જો, ત્યાં નજર કર; તને પરમ નિધાન પ્રાપ્ત થશે.
ભાઈ! પ્રતિક્ષણ તું દેહ છૂટવાની નજીક જતો જાય છે કેમકે દેહ તો એના નિયત કાળે અવશ્ય છૂટશે જ. આ રાગ છોડવાનો કાળ (અવસર) છે. પ્રભુ! તેમાં જો આત્માની સન્મુખ થઈ રાગ ન છોડયો તો કયાં જઈશ ભાઈ? દેહ તો એના કાળે તત્ક્ષણ છૂટી જશે, પછી કયાં ઉતરીશ, બાપા? (કયાંય કાગડે, કૂતરે અને કંથવે ચાલ્યો જઈશ).
કેટલાક કહે છે-આવો ધર્મ! ભક્તિ કરો, પુજા કરો, દાન કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, શાસ્ત્રનો પ્રચાર કરો-ઇત્યાદિ તો ધર્મની પ્રવૃત્તિ છે. અરે ભાઈ! એ તો બધી વિકલ્પોની ધાંધલ છે. એ તો ક્ષોભ અને આકુળતા ઉત્પન્ન કરનારી છે. અહીં તો કહે છે હું સ્વયંસિદ્ધ છું, કોઈનું કાર્ય નથી એવો જે સૂક્ષ્મ વિકલ્પ છે તે પણ આકુળતારૂપ છે. માટે નયપક્ષના વિકલ્પનો ત્યાગ કરી શુદ્ધ ચિત્સ્વરૂપ વસ્તુનો અનુભવ કર. જ્ઞાની પુરુષો પણ પક્ષપાતરહિત થઈને એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ નિરંતર અનુભવે છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવ પોતાને જેવો ચિત્સ્વરૂપ જીવ છે તેવો જ નિરંતર અનુભવે છે. એનું નામ આત્મ-ખ્યાતિ છે ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! વિકલ્પરહિત આત્મા જેવો છે તેવો અનુભવવો તે આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ છે.
‘भावः’ જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ ભાવ છે, અસ્તિરૂપ સ્વભાવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ સ્વભાવભાવ છે એવી જે વૃત્તિ ઊઠે છે તે વિકલ્પ છે અને તેને અહીં છોડવાની વાત છે.
જુઓ, હાર ખરીદતી વખતે હાર કેવો છે, કેવડો છે, એની કિંમત કેટલી ઇત્યાદિ બધું પૂછે પણ તેને પહેરતાં તે વિકલ્પોને યાદ કરતો નથી. પહેરતી વેળા તો તે વિકલ્પોને