૩૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ લક્ષમાંથી છોડી દે છે. પહેરતી વખતે તો તેની શોભા ઉપર જ લક્ષ છે તેમ અહીં કહે છે-જીવ ભાવસ્વરૂપ છે એ તો સત્ય જ છે. પણ તેવો જે વિકલ્પ ઊઠે છે તે જીવની શોભા નથી. વિકલ્પ છોડીને જે ભાવસ્વરૂપ આત્મા છે તેને વેદવું-જાણવું એ શોભા છે, એ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
લોકોને સાંભળવા મળ્યું નથી એટલે નવું લાગે છે, પણ ભાઈ! આ તો અનાદિથી ચાલ્યો આવતો મૂળ માર્ગ છે. અનંત કેવળીઓએ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે.
જીવ ચૈતન્યસ્વભાવભાવ, આનંદસ્વભાવભાવ, શાંતિસ્વભાવભાવ, ઇશ્વરસ્વભાવભાવ- એવો આત્મા ભાવ છે એ તો સત્યાર્થ જ છે. પણ હું આવો છું એવો વિકલ્પ નિશ્ચયનો પક્ષ છે. આવું ઊંડે ઊંડે ચિંતન કરવું તે વિકલ્પ એટલે રાગ છે, અને તે છોડવા યોગ્ય છે. હવે કહે છે-
‘न तथा’ જીવ ભાવ નથી (અર્થાત્ અભાવરૂપ છે) ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. જીવ ભાવ નથી એટલે કે પરથી અભાવરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. દયા, દાન, પૂજા આદિના વિકલ્પથી જીવ અભાવરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. આનો તો આચાર્ય ભગવાન પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છે. અહા! શ્રદ્ધામાં તો નક્કી કર કે વિકલ્પ છોડવા યોગ્ય છે, એનાથી લાભ નથી.
‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવમાં ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. બન્ને નયપક્ષ વિકલ્પ છે. અહો! ચિત્સ્વરૂપ આત્માની શી વાત કરવી? વાણીમાં તો એનું સ્વરૂપ ન આવે પણ વિકલ્પથી પણ એ જણાય એવી ચીજ નથી. પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે લોકોને આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ખબર નથી. આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવભાવરૂપ છે. તેનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે. હું ભાવસ્વરૂપ છું એવો જે વિકલ્પ ઊઠે તે અધ્યાત્મ-વ્યવહાર નથી; વિકલ્પ છૂટીને નિર્વિકલ્પદશાને પ્રાપ્ત થવું તે અધ્યાત્મ-વ્યવહાર છે. જ્ઞાનીઓને આવો આત્મવ્યવહાર હોય છે. એ જ કહે છે-
‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. અહાહા...! નયપક્ષના વિકલ્પથી રહિત જ્ઞાનીને ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપે જ અનુભવાય છે, અને તે ધર્મ છે.